- ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવની ભાગીદારી સફળ રહી
- ધ્રુવ જુરેલના પ્રયાસોએ ભારતીય ટીમને અપાવી સફળતા
- જુરેલની બેટિંગે ચાહકોને ધોનીની બેટિંગની યાદ અપાવી
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની 5 મેચની ટેસ્ટ સીરીઝની ચોથી મેચ રાંચીમાં જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. જુરેલે તેની ટેસ્ટ કરિયરની પહેલી ફિફ્ટી લગાવી છે. તેણે 149 રનમાં કુલ 90 રન બનાવ્યા છે. જો કે તે સદી પાર કરવામાં સફળ રહ્યો નથી પરંતુ તેણે પોતાની ઈનિંગમાં 6 ફોર અને 4 સિક્સ ફટકારીને ચાહકોને ખુશ કર્યા હતા.
અપાવી ધોનીની યાદ
ઈંગ્લેન્ડ સામે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ચાહકોનું દિલ જીતી લીધું છે. ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટમાં તેની ધમાકેદાર બેટિંગથી પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી છે. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ટીમ જ્યારે મોટા સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે ધ્રુવ જુરેલ તેમના માટે સંકટ મોચક સાબિત થયો છે.
ભારત ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયું હતું
જ્યારે ધ્રુવ જુરેલ બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 161 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના સ્કોરથી 192 રનથી પાછળ હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સરફરાઝ ખાન અને રવિચંદ્રન અશ્વિનની વિકેટ પણ માત્ર 16 રનમાં ગુમાવી દીધી હતી. સરફરાઝ ખાન 14 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે રવિચંદ્રન અશ્વિન 1 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. અહીં ભારતીય ટીમનો સ્કોર હવે 7 વિકેટે 177 રન હતો.
ધ્રુવ જુરેલ ટીમ ઈન્ડિયા માટે મદદકર્તા બન્યો
ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને તે ઈંગ્લેન્ડના સ્કોરથી 176 રન પાછળ હતી. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે અહીંથી જવાબદારી સંભાળી અને કુલદીપ યાદવે સાથે મળીને આઠમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી. ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવ વચ્ચેની આ ભાગીદારી ભારતીય ટીમ માટે જીવનરક્ષક સમાન રહી. કુલદીપ યાદવ (28)ના આઉટ થયા બાદ ધ્રુવ જુરેલે આકાશદીપ સાથે મળીને 40 રન જોડ્યા હતા. ત્યારબાદ આકાશદીપ 9 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ધ્રુવ જુરેલ મોહમ્મદ સિરાજ સાથે છેલ્લી વિકેટ માટે 14 રન જોડ્યા બાદ આઉટ થયો હતો.
મોમેન્ટમ ભારત પાસે છે
અંતે, ઇંગ્લેન્ડ 46 રનની લીડ મેળવવામાં સફળ રહ્યું, પરંતુ મોમેન્ટમ ભારતની પાસે રહેશે, કારણ કે તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યું છે. ભારતનો પ્રથમ દાવ 307 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડને ભારત સામે 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે પ્રથમ દાવમાં 90 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલે 73 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ટોમ હાર્ટલીને 3 વિકેટ મળી હતી. જેમ્સ એન્ડરસને 2 વિકેટ લીધી હતી. આ પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 353 રન પર સમાપ્ત થયો હતો. જો રૂટે અણનમ 122 રન બનાવ્યા હતા. જ્યારે ઓલી રોબિન્સને 58 રનની ઇનિંગ રમી હતી. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં સૌથી વધુ 4 વિકેટ લીધી છે. આકાશ દીપે 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. આ સિવાય રવિચંદ્રન અશ્વિનને 1 વિકેટ મળી છે.


