- વરસાદના વિઘ્નવાળી મેચમાં ઓસી.નો ડકવર્થ લૂઇસ મેથડ હેઠળ 27 રનથી વિજય
- ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ટી-20 સિરીઝની અંતિમ મેચમાં પરાજય આપ્યો
- સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે ન્યૂઝીલેન્ડને તેના જ ઘરમાં વ્હાઇટ વોશ કર્યો છે
ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ટી-20 સિરીઝની અંતિમ મેચમાં પરાજય આપ્યો છે. સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે ન્યૂઝીલેન્ડને તેના જ ઘરમાં વ્હાઇટ વોશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઓકલેન્ડમાં રમાયેલી અંતિમ મેચમાં જીત મેળવીને સિરીઝ 3-0થી પોતાના નામે કરી હતી અને ચેપલ-હેડલી ટ્રોફી જીતી હતી. આ જીત ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની 100મી જીત હતી. 19 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતવામાં ઓસ્ટ્રેલિયાને સફળતા મળી છે. મેચમાં વરસાદની પણ ખલેલ રહી હતી જેના કારણે ઓવર કાપવાની ફરજ પડી હતી. ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખતા બંને ટીમોએ પોતાના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને આરામ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા બેટિંગ કરતા ઉતરી હતી અને તે સતત વરસાદને કારણે પરેશાન થઇ હતી. ટીમે બે વિકેટ ગુમાવીને પાવર પ્લેમાં 67 રન કર્યા હતા. કાંગારુ ટીમે 10.4 ઓવરમાં 118 રન બનાવી લીધા હતા અને ટ્રેવિસ હેડે 30 બોલમાં 33 રન કર્યા હતા. આ ઇનિંગમાં તેણે પાંચ બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. તે સિવાય મેથ્યૂ શોર્ટે 11 બોલમાં 27 રન કર્યા હતા. આ ઇનિગમાં ત્રણ સિક્સર સામેલ હતી. ન્યૂઝીલેન્ડ વતી એડમ મિલન, બેન સિયર્સ, મિચેલ સેન્ટનર અને જોશ ક્લાર્કસને 1-1 વિકેટ ઝડપી હતી. તે બાદ ન્યૂઝીલેન્ડને ડકવર્થ લૂઇસ સિસ્ટમ હેઠળ 10 ઓવરમાં 126 રનનો ટાર્ગેટ અપાયો હતો. જોકે, યજમાન ટીમ પહેલાથી જ દબાણમાં જોવા મળી હતી. વિલ યંગ 14 રન બનાવીને આઉટ થયો હતો. તે બાદ ટિમ સેઇફર્ટ પણ બે વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એડમ ઝમ્પાએ ફિન એલેનને આઉટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપે સૌથી વધારે 40 રન કર્યા હતા. મેથ્યૂ શોર્ટને શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ અને મિચેલ માર્શને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.


