- ઉત્તરપ્રદેશના કૌસાંબીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો
- પહેલા ધડાકા પછી લગભગ કલાક સુધી નાના-મોટા ધડાકા થતા રહ્યા
- અનેક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
ઉત્તરપ્રદેશના કૌસાંબીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ ધડાકામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઉપરાઉપરી ધડાકાઓના કારણે સમગ્ર વિસ્તાર ધણધણી ઊઠયો હતો. આસપાસ વસતા લોકો તત્કાળ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને ઓછામાં ઓછા 10 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતાં. જો કે આ દરમિયાન સાત લોકોના મોત થયાં હતાં અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયાં છે. અહેવાલો અનુસાર ધડાકા બાદ એક કલાક સુધી ફાયર બ્રિગેડની ગાડીઓ જ ના પહોંચતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. દુર્ઘટનાનો શિકાર થયેલી ફટાકડા ફેક્ટરી કૌસાંબીના કોખરાજ પોલીસ સ્ટેશનના તાબાના ભરવારીની છે. પોલીસના જણાવ્યા અનુસાર ધડાકો થયો ત્યારે અનેક લોકો ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં સાત લોકોના મોત થઇ ગયાં હતાં અને અનેક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફેક્ટરીમાં હજુ પણ આઠ લોકો ફસાયેલા છે
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકોના દુર્ઘટનાના સ્થળ પર જ મોત થયાં હતાં જ્યારે બાકીના લોકોના મોત માર્ગમાં અથવા તો હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયાં છે. ઘટનાસ્થળ પર હજુ પણ રાહત કામગીરી ચાલી રહી છે અને હજુ પણ ફેક્ટરીમાં આઠ લોકો ફસાયેલાં હોવાનું માનવામાં આવે છે.
ફેક્ટરી રહેણાંક વિસ્તારથી દૂર હતી
કૌસાંબીના એસપી વૃજેશકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે દુર્ઘટનાની લપેટમાં એ લોકો આવી ગયાં હતાં જે લોકો ધડાકા સમયે ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતાં. તેમના જણાવ્યા અનુસાર આ ફેક્ટરી પાસે ફટાકડા બનાવવાનું લાઇસન્સ છે. ખાસ બાબત એ છે કે આ ફેક્ટરી રહેણાંક વિસ્તારથી ઘણી દૂર છે.


