- વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમમાં છબરડા પછી તરત ભૂલ સુધારી
- ચીનના પ્રમુખ શી જિનપિંગને જો બાઇડેને રશિયાના પ્રમુખ કહી દીધા
- ઇમાન્યુઅલ મેક્રોંને બાઇડેને ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રેન્કોઇસ મિતરાંદ કહી દીધા
અમેરિકાના પ્રમુખ જો બાઇડેનને તેમની નબળી સ્મૃતિશક્તિ અને વધી રહેલી ઉંમરને મુદે ટીકાકારોની ટીકાનો સામનો કરવો પડે છે. જો બાઇડેને ફરી એક ભૂલ કરી છે. વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમમાં બોલતાં ચીનના પ્રમુખ શી જિનપિંગને જો બાઇડેને રશિયાના પ્રમુખ કહી દીધા.
જો બાઇડેને વ્હાઇટ હાઉસમાં નેશનલ ગવર્નન્સ એસોસિયેશનના વાર્ષિક કાર્યક્રમને સંબોધન કરતી વખતે જિનપિંગને રશિયાના પ્રમુખ કહી દીધા હતા. બાઇડેને એક જૂનો કિસ્સો સંભળાવતી વખતે આ ભૂલ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, ‘બરાક ઓબામા ઇચ્છતા હતા કે હું જિનપિંગ વિષે જાણકારી હાંસલ કરું, કેમ કે તે વાત સાફ હતી કે તેઓ (જિનપિંગ) રશિયાના પ્રમુખ બનવા જઇ રહ્યા હતા, નાના ચીનના પ્રમુખ બનવા જઇ રહ્યા હતા. રશિયા સાથે તે વખતે આપણા સંબંધો ખરાબ હતા. મેં દેશમાં અને ચીનમાં જિનપિંગ સાથે લગભગ 17 હજાર માઇલનો પ્રવાસ ખેડયો.
બાઇડેનના દાવા સામે સવાલ
જો બાઇડેન આ પહેલાં જિનપિંગ સાથે 17,000 માઇલના પ્રવાસની વાત કરી ચૂક્યા છે. મીડિયા અહેવાલમાં બાઇડેનના આ દાવાને ફગાવી દેવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બાઇડેને વર્ષ 2011માં ચીનની મુલાકાત લીધી ત્યારે ત્યાં માત્ર ત્રણ દિવસ રોકાયા હતા. જિનપિંગ સાથે 17,000 માઇલના પ્રવાસની વાત વ્હાઇટ હાઉસ પણ નકારી ચૂક્યું છે. આ વાત પણ બાઇડેન કદાચ ભૂલી ચૂક્યા છે. તેમણે ફરી તે વાત દોહરાવી. હાલમાં બાઇડેનની નબળી પડી રહેલી સ્મૃતિશક્તિ અને આરોગ્ય સંબંધી ચિંતાઓ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં બાઇડેને ઇજિપ્તને મેક્સિકો કહી દીધું હતું. ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોંને બાઇડેને ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રેન્કોઇસ મિતરાંદ કહી દીધા હતા. બાઇડેન એક સમયે યૂક્રેન યુદ્ધની વાત કરી રહ્યા હતા અને બોલી ગયા હતા ઇરાક યુદ્ધ.


