- દેશમાં મહિલાઓ પ્રત્યેના અપરાધોમાં સતત વધારો થઇ રહ્યો છે
- કસ્ટડીમાં મહિલાઓ પર દુષ્કર્મના આરોપીઓમાં પોલીસ
- લોકસેવકો, જેલો, સુધારણા ગૃહો સહિતના કર્મી સામેલ
દેશમાં મહિલાઓ પ્રત્યેના અપરાધોમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકાર મહિલાઓની સુરક્ષાને લઇને લાખ દાવા કરે છે પરંતુ તેમ છતાં અપરાધીઓના દિલમાં કોઇ ભય દેખાતો નથી. જો કે અપરાધીઓને ભય લાગે પણ કેવી રીતે કે જ્યારે અપરાધીઓને સજા આપનાર તંત્ર પોતે જ ગુનેગાર હોય. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો(એનસીઆરબી)એ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓથી જાણકારી મળે છે કે 2017થી 2022ની વચ્ચે કસ્ટડીમાં જ મહિલાઓ સાથે દુષ્કર્મના 270થી વધારે કેસ નોંધાયા છે. એનસીઆરબીના આંકડાઓ અનુસાર અપરાધીઓમાં પોલીસ કર્મચારીઓ, લોકસેવકો, સશસ્ત્ર દળના સભ્યો ઉપરાંત જેલો, સુધારણા ગૃહો, કસ્ટડી સ્થાન તથા હોસ્પિટલના કર્મચારીઓનો સમાવેશ થાય છે. મહિલા અધિકાર કાર્યકર્તાઓએ આ ઘટનાઓ માટે લો એન્ફોર્સમેન્ટ સિસ્ટમમાં સંવેદનશીલતા અને એકાઉન્ટીબિલિટીની કમીને જવાબદાર ગણાવી છે.
પાછલા કેટલાક વર્ષોમાં સ્થિતિ સુધરી
આંકડા અનુસાર જોઇએ તો 2017માં મહિલાઓ સાથે દુષ્કર્મના 89 કેસીસ નોંધાયા હતાં જે 2018માં ઘટીને 60 રહી ગયા હતાં. જ્યારે વર્ષ 2019માં 47, 2020માં 29, 2021માં 26 અને 2022માં 24 કેસીસ નોંધાયા હતાં. આ આંકડાઓ પરથી એક બાબત સ્પષ્ટ થઇ જાય છે કે પાછલા કેટલાક વર્ષોમાં આવા કેસીસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા
કસ્ટડીમાં મહિલાઓ સાથે દુષ્કૃત્યના કેસીસ ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) હેઠળ દાખલ કરવામાં આવે છે. જો આપણે ક્યાં રાજ્યમાં મહિલાઓ સાથેના દુષ્કૃત્યના સૌથી વધારે કેસીસ નોંધાયા તેના પર વિચારણા કરીએ તો તેમાં ઉત્તરપ્રદેશ સૌથી ઉપર છે. દેશના આ રાજ્યમાં 2017થી 2022ની વચ્ચે 92 કેસીસ દાખલ કરવામાં આવ્યા છે. યુપી પછીના બીજા ક્રમે મધ્યપ્રદેશ બીજા સ્થાન પર રહ્યું છે. એમપીમાં 43 કેસ દાખલ કરવામાં આવ્યા છે.
કસ્ટડીની કમજોર વ્યવસ્થાના કારણે મહિલાઓ શિકાર
પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશક પૂનમ મુત્તરેજા અનુસાર આપણા દેશમાં કસ્ટડીની વ્યવસ્થા દુર્વ્યવહાર માટેની તક પ્રદાન કરે છે કે જ્યાં સરકારી કર્મચારીઓ ઘણીવાર પોતાની શક્તિઓનો ઉપયોગ જાતીય ઇચ્છાની પૂર્તિ કરવા માટે કરતાં હોય છે. આવા ઘણા ઉદાહરણો છે કે જેમાં મહિલાઓને તેમના સંરક્ષણ માટે કે પછી તેમની નબળી સ્થિતિ જેવી કે ચોરી અને ઘરેલું હિંસાના કારણે કસ્ટડીમાં લેવામાં આવી હોય છે અને તે પછી તેમની સાથે જાતીય હિંસા આચરવામાં આવે છે. આ ઘટનાઓ પ્રશાસનિક સંરક્ષણની આડમાં શક્તિના દુરુપયોગને દર્શાવે છે.


