ચોમાસા પર સુપર અલ નીનોની કાળી છાયા
દેશમાં ક્યાંક સૂકાશે ધરતી, ક્યાંક વરસશે આફતનો વરસાદ
IMDની 2026 માટે લોંગ રેન્જ આગાહી જાહેરઃ ચોમાસું 4 દિવસ વહેલું, પણ વરસાદ બિલો નોર્મલ ; સુપર અલ નીનો દેશ માટે બનશે ડબલ એટેક
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશમાં એક તરફ આકરી ગરમી અને હીટવેવ લોકોનું જીવન દઝાડી રહી છે, ત્યારે હવે ચોમાસાને લઈને હવામાન વિભાગની ચિંતાજનક આગાહીએ દેશભરમાં ચકચાર મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વર્ષ 2026 માટે જાહેર કરાયેલા પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ મુજબ આ વર્ષે ચોમાસું સમય પહેલાં એટલે કે 26 મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે, પરંતુ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો મુજબ પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસતું ‘સુપર અલ નીનો’ સમગ્ર ચોમાસાની ગતિ બદલી શકે છે અને દેશના અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. IMDના અનુમાન મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાનો કુલ વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA)ના માત્ર 92 ટકા જેટલો રહેશે. હવામાન ભાષામાં તેને “બિલો નોર્મલ” કેટેગરીમાં ગણવામાં આવે છે. વર્ષ 1971થી 2020ના સરેરાશ મુજબ દેશમાં 870 મિમી વરસાદ થવો જોઈએ, પરંતુ આ વખતે તે આંકડો સ્પર્શાય તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.
હવામાન વિભાગ ઉપરાંત અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) સહિત વિશ્વની અનેક હવામાન એજન્સીઓએ પણ સુપર અલ નીનો અંગે ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અલ નીનો 1997 અને 2015 જેટલો ગંભીર બની શકે છે. તે સમયગાળામાં દુનિયાના અનેક ભાગોમાં ભારે હવામાન ઉથલપાથલ જોવા મળી હતી અને ભારતમાં પણ ચોમાસા પર તેની સીધી અસર પડી હતી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અલ નીનોની સૌથી મોટી અસર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે. પરિણામે કૃષિ ક્ષેત્ર પર ગંભીર અસર પડી શકે છે. દેશના લગભગ 60 ટકા ખેડૂતો આજે પણ ખરીફ પાક માટે ચોમાસા પર નિર્ભર છે. જો વરસાદમાં મોટી કમી રહેશે તો વાવણી, ઉત્પાદન અને ગ્રામિણ અર્થતંત્ર પર સીધી અસર પડશે.
મધ્યપ્રદેશના ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, રીવા, સાગર, શહડોલ, ચંબલ અને નર્મદાપુરમ જેવા વિસ્તારોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર ઓછો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા કૃષિપ્રધાન રાજ્યોમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દિલ્હી-એનસીઆર માટે પણ હવામાન વિભાગે કોઈ ખાસ રાહત દર્શાવી નથી. અહીં પહેલેથી જ ગરમીનો પ્રકોપ છે અને હવે ઓછા વરસાદથી સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.
ગુજરાત, દક્ષિણપૂર્વ મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, ઓડિશા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં પણ પાણીની તંગી અને ગરમીનો માર વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ અલ નીનોનું બીજું ભયાનક પાસું એ છે કે જ્યાં એક તરફ દેશના મોટા ભાગમાં વરસાદની અછત રહેશે, ત્યાં તટીય વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરનો ખતરો વધી શકે છે.હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઈતિહાસ સાક્ષી છે કે વર્ષ 2015ના સુપર અલ નીનો દરમિયાન ચેન્નઈ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને ભારે જાનહાનિ સાથે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ વખતે પણ નિષ્ણાતોએ તટીય શહેરોને પહેલાથી જ એલર્ટ રહેવાની સલાહ આપી છે.
અલ નીનો એક એવી આબોહવાની ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધારે વધી જાય છે. તેના કારણે વિશ્વભરના પવનપ્રવાહ અને હવામાન ચક્રમાં ફેરફાર થાય છે. ભારત માટે અલ નીનો મોટાભાગે ચોમાસાને નબળું બનાવે છે. પરિણામે વરસાદમાં ઘટાડો, તીવ્ર ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે.
હાલમાં દેશના અનેક રાજ્યોમાં તાપમાન 46થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને વિદર્ભ વિસ્તારમાં હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને વિદર્ભમાં રાત્રિના સમયમાં પણ ગરમીનો ત્રાસ યથાવત રહેવાની શક્યતા છે. જોકે ચોમાસાના આગમન અંગે થોડો સકારાત્મક સંકેત પણ જોવા મળી રહ્યો છે. IMD મુજબ આ વખતે ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે, જે સામાન્ય તારીખ કરતાં ચાર દિવસ વહેલું છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં આગળ વધે છે.
અંદાજ મુજબ આ વખતે ચોમાસું 8થી 10 જૂન વચ્ચે બિહાર, 12 જૂને મધ્યપ્રદેશ, 18 જૂને ઉત્તરપ્રદેશ અને 20 જૂને રાજસ્થાન સુધી પહોંચી શકે છે. જોકે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગમનની તારીખમાં ચાર દિવસનો ફેરફાર શક્ય છે.
આ સમગ્ર ભયજનક પરિસ્થિતિ વચ્ચે એક આશાનું કિરણ પણ જોવા મળી રહ્યું છે. હવામાન મોડલ મુજબ ઈન્ડિયન ઓશન ડિપોલ (IOD) પોઝિટિવ રહેવાની શક્યતા છે. જો આવું બનશે તો અલ નીનોની કેટલીક નકારાત્મક અસરો ઓછી થઈ શકે છે અને ચોમાસાના અંતિમ તબક્કામાં કેટલાક વિસ્તારોમાં વરસાદની વાપસી થઈ શકે છે.
હાલ માટે દેશ સામે ડબલ પડકાર ઉભો થયો છે. એક તરફ પાણી માટે તરસતા રાજ્યો અને બીજી તરફ પૂરથી ડૂબતા તટીય વિસ્તારો. આવનારા અઠવાડિયામાં અલ નીનો કેટલો મજબૂત બને છે અને ચોમાસું કેટલું નબળું પડે છે તેના પર દેશના કૃષિ, અર્થતંત્ર અને સામાન્ય જનજીવનનો મોટો આધાર રહેશે. IMD હવે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં અપડેટેડ ફોરકાસ્ટ જાહેર કરશે. ત્યારબાદ સ્પષ્ટ થશે કે આ વખતે સુપર અલ નીનો કેટલો વિનાશક સાબિત થવાનો છે.
શું છે અલ નીનો ?
પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન અસામાન્ય રીતે વધે ત્યારે અલ નીનો બને છે
તેની અસરથી ચોમાસાના પવનો નબળા પડી જાય છે
* ભારતમાં ઓછો વરસાદ, ગરમી અને હીટવેવ વધે છે
* તટીય વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરનું જોખમ વધી શકે છે
* 1997 અને 2015ના અલ નીનોને સૌથી ખતરનાક માનવામાં આવે છે
કયા રાજ્યો પર સૌથી વધુ ખતરો ?
દુષ્કાળ અને ઓછા વરસાદનો ખતરો :
ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા
અતિવૃષ્ટિ અને પૂરનો ખતરો :
તમિલનાડુ, આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો, ચેન્નઈ આસપાસના શહેરો
ખેડૂતો માટે કેમ ચિંતાજનક ?
ભારતના 60 ટકા ખેડૂતો ચોમાસા પર નિર્ભર
ખરીફ પાકનું ભવિષ્ય વરસાદ સાથે જોડાયેલું
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ ઘટે તો વાવણી અને ઉત્પાદનને મોટો ફટકો, પાણીની અછતથી ગ્રામિણ અર્થતંત્ર પર સીધી અસર, અનાજ, કપાસ, સોયાબીન અને દાળના પાકને નુકસાનની ભીતિ
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે વર્ષ ૨૦૨૬ માટેનું પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ જાહેર કરતાં ચિંતા વધારી દીધી છે. વિભાગના અનુમાન મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં થનારો ચોમાસાનો વરસાદ આ વર્ષે સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પાછળનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસતી ‘સુપર અલ નીનો’ સ્થિતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાતો અનુસાર, આ ઘટના વૈશ્વિક હવામાનને અસર કરતી સૌથી શક્તિશાળી સમુદ્રી પરિસ્થિતિઓમાંની એક છે અને તેનો સીધો પ્રભાવ ભારતના ચોમાસા પર પડે છે.
અલ નીનોની અસર ભારત માટે ઘણી વખત ચિંતાજનક સાબિત થઈ છે. જ્યારે પણ અલ નીનો મજબૂત બન્યું છે ત્યારે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે વરસાદની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં પાણીની ભારે કટોકટી ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૃષિ ક્ષેત્ર માટે પણ આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે, કારણ કે વરસાદ ઓછો રહેતા પાક ઉત્પાદન પર સીધી અસર પડશે.
જોકે અલ નીનોની અસર માત્ર ઓછા વરસાદ પૂરતી મર્યાદિત નથી. હવામાન વિભાગના નિષ્ણાતો જણાવે છે કે દક્ષિણ ભારતના કેટલાક તટીય વિસ્તારોમાં આ પરિસ્થિતિ વિપરીત અસર પણ પેદા કરી શકે છે. ખાસ કરીને તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે દેશના એક ભાગમાં પાણી માટે હાહાકાર મચી શકે છે, જ્યારે બીજા ભાગમાં ભારે વરસાદ તબાહી મચાવી શકે છે. હવામાન મોડલોના આંકડા મુજબ, આ વર્ષે દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના આશરે ૩૫ ટકા સુધી પહોંચી છે, જે સામાન્ય વર્ષોની સરખામણીએ ડબલથી પણ વધારે માનવામાં આવે છે. વિશ્વભરના ક્લાઈમેટ મોડલો સૂચવી રહ્યા છે કે જૂન અથવા જુલાઈ સુધી સુપર અલ નીનો સંપૂર્ણપણે સક્રિય બની શકે છે.
તેમ છતાં શરૂઆતના સમયમાં થોડી રાહત મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, જૂન અને જુલાઈના પ્રારંભિક તબક્કામાં ચોમાસું પ્રમાણમાં સ્થિર રહી શકે છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ શકે છે. હવે ખેડૂતો, સરકાર અને સામાન્ય લોકોની નજર આગામી હવામાન અપડેટ પર ટકેલી છે.


