- ભારતે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને સીરિઝ જીતી લીધી
- જીત છતાં આ મેચ ટીમ ઈન્ડિયાએ પોતાના નામે અનિચ્છનિય રેકોર્ડ બનાવ્યો
- ભારતના મિડલ ઓર્ડરે સૌથી ઓછા રન બનાવ્યા
ભારતીય ટીમે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને સીરિઝ જીતી લીધી હતી અને 3-1ની અજેય સરસાઈ મેળવી હતી. આ મેચમાં યશસ્વી જયસ્વાલ, કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, ધ્રુવ જુરેલે ભારતીય ટીમ માટે ઉપયોગી રન બનાવ્યા હતા. જીત છતાં આ મેચ ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય છે. તે ચિંતાને કારણે એક અનિચ્છનીય રેકોર્ડ પણ ભારતના નામે નોંધાયો હતો. આ રેકોર્ડ લગભગ 40 વર્ષ બાદ ભારતીય ટીમના નામે નોંધાયો છે. તેનું મુખ્ય કારણ ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેનો છે.
ટીમ ઈન્ડિયાના નામે નોંધાયેલ અનિચ્છનીય રેકોર્ડ
તમને જણાવી દઈએ કે ભારત માટે આ મેચમાં રજત પાટીદાર નંબર 4 પર, રવિન્દ્ર જાડેજા નંબર 5 પર અને સરફરાઝ ખાન 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. રજત પાટીદારે બંને દાવમાં 17 અને 0 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 12 અને 4 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન માત્ર 14 અને 0 રનનું યોગદાન આપી શક્યો હતો. ત્રણેય મળીને બંને દાવમાં માત્ર 47 રન જ બનાવી શક્યા હતા. 40 વર્ષ પછી, ભારતના નંબર 4, 5 અને 6 બેટ્સમેનોએ મળીને કોઈપણ ટેસ્ટ મેચમાં સૌથી ઓછા રન બનાવ્યા.
40 વર્ષ પછી આવું થયું
તમને જણાવી દઈએ કે આ પહેલા 1983માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટમાં ભારતના નંબર 4, 5 અને 6 બેટ્સમેનોએ મળીને આખી ટેસ્ટમાં 45 રન બનાવ્યા હતા. હવે, 40 વર્ષથી વધુ સમય પછી, આ ત્રણેય સ્થાનો પર ભારતના બેટ્સમેનો મળીને માત્ર 47 રન બનાવી શક્યા. જીતેલી ટેસ્ટમાં ભારત માટે આખી ટેસ્ટ મેચમાં આ સૌથી ઓછો સ્કોર 4,5,6 છે. જ્યારે એકંદરે આ એક ટીમ માટે ટેસ્ટ મેચ જીત્યા બાદ 4,5,6 નંબર દ્વારા બનાવવામાં આવેલો 11મો સૌથી ઓછો સ્કોર છે.
ભારતે સીરિઝ કબજે કરી હતી
સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ હજુ બાકી છે. છેલ્લી ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ પહેલા જ સીરીઝ જીતી ચૂકી છે. ઘરની ધરતી પર ભારતની આ સતત 17મી ટેસ્ટ સીરિઝ જીત છે. આ સિવાય ટીમ ઈન્ડિયા ઘરની ધરતી પર 2012થી અજેય છે. બેન સ્ટોક્સની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ટીમની આ પ્રથમ ટેસ્ટ સીરિઝની હાર છે.


