- મૃતક ખેડૂતની ઓળખ 62 વર્ષીય કરનૈલ સિંહ તરીકે થઈ
- તેઓ 13 ફેબ્રુઆરીથી ખનૌરી બોર્ડર પર મોરચે બેઠા હતા
- મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે
પંજાબ હરિયાણા રાજ્યો વચ્ચેની ખનૌરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં વધુ એક ખેડૂતનું મોત થયું છે. મૃતક ખેડૂતની ઓળખ 62 વર્ષીય કરનૈલ સિંહ તરીકે થઈ છે. કરનૈલ સિંહ ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીના અરનો ખુર્દ તાલુકો પાતરણ એકમના જનરલ સેક્રેટરી હતા. તેઓ 13 ફેબ્રુઆરીથી ખનૌરી બોર્ડર પર મોરચે બેઠા હતા.
ખેડૂત નેતા કુલવંત સિંહ શેરગઢે જણાવ્યું કે કરનૈલ સિંહને સોમવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ પણ કરી હતી. બાદમાં, તેમને પાત્રાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી બાદમાં તેમને પટિયાલાની સરકારી રાજીન્દ્રા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે સોમવારે રાત્રે ડોક્ટરોએ કહ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ મંગળવારે સવારે લગભગ 3 વાગ્યે ખેડૂત કરનૈલ સિંહને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ડોક્ટરોએ તેમણે બચાવવાના પૂરતા પ્રયાસ કર્યા હતા પરંતુ થોડા સમય બાદ તેમનું મોત થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોના આંદોલનમાં અત્યાર સુધીમાં 6 ખેડૂતોના મોત થઈ ચૂક્યા છે. જેમાં 21 વર્ષનો શુભકરણ પણ સામેલ છે. રાજીન્દ્રા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એચએસ રેખીએ જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ખેડૂતોના આંદોલનમાં ભટિંડાના દર્શન સિંહ, પટિયાલાના ખેડૂત મનજીત સિંહ અને ગુરદાસપુરના જ્ઞાન સિંહનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે, જ્યારે ફિરોઝપુરના ગુરજંત સિંહે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.


