- છોટાઉદેપુર પંથકમાં કોંગ્રેસમાં હવે નેતાગીરીનો શૂન્યાવકાશ
- પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગાંધીનગર કમલમ ખાતે ભાજપામાં જોડાયા
- નારણ રાઠવાના ભાજપા પ્રવેશથી રાજકીય અટકળો તેજ બની
છોટાઉદેપુર લોકસભામાં પાંચ વખત સાંસદ રહી ચૂકેલા અને હાલના રાજ્યસભાના સાંસદ, પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઇ જેમલાભાઈ રાઠવા છેલ્લાં ચાલીસ વર્ષથી જનતાદળ અને કોંગ્રેસમાં પોતાનું પ્રભુત્વ કેળવ્યું હતું. જે કોંગ્રેસને આજરોજ રામરામ કરી ગાંધીનગર કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં સમર્થકો સહીત ભાજપમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસનો હાથ છોડી કમળનો ખેસ ધારણ કર્યો હતો. જે અંગે સમગ્ર છોટાઉદેપુરના રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો હતો.
છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં ઇ.1992/93માં જનતાદળ પાર્ટીનું કોંગ્રેસમાં વિલીનીકરણ થતાં નારણ રાઠવા કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી સમગ્ર લોકસભા બેઠક પર તેઓ પ્રભુત્વ ધરાવ્યું છે. પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી. જ્યારે તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પુર્વ નગર પાલિકા પ્રમુખ છોટાઉદેપુર અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પુર્વ ઉપાધ્યક્ષે પણ કોંગ્રેસ સાથે છેડો ફડી ભાજપમાં જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાંથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં 10500થી વધુ બિનભાજપી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આજરોજ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા જે ઘટના છોટાઉદેપુર કોંગ્રેસ માટે ભારે આઘાતરૂપ છે.
નારણ રાઠવાના ભાજપા પ્રવેશથી રાજકીય અટકળો તેજ બની
છોટાઉદેપુર લોકસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસના વરીષ્ઠ નેતા કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા હતા.
સને 2009માં લોકસભાની ચૂંટણીમાં ભાજપના રામસિંહભાઇ રાઠવા સામે હારી ગયા હતા. સને 2014માં પણ ભાજપના રામસિંહ રાઠવા વિજયી બન્યા હતા. જ્યારે 2019માં નારણભાઇ રાઠવાએ ઉમેદવારી કરી ન હતી.આગામી લોકસભા ચૂંટણીમાં હવે કોને ટિકિટ મળશે ? કોનું પત્તું કપાશે ? તે જોવાનું રહ્યું. નારણ રાઠવાના ભાજપમાં પ્રવેશથી રાજકીય ક્ષેત્રે અટકળો તેજ બની છે.
પ્રજાના વિકાસમાં સહભાગી થવા ભાજપમાં જોડાયા
નારણભાઈ રાઠવાએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રસનું નેતૃત્વ નબળું પડયું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં સરકાર સારી કામગીરી કરી રહી છે. જ્યારે પ્રજા તેને આવકાર આપે છે. પ્રજાની સમસ્યાનો ઝડપી ઉકેલ આવે છે. લોકોના કામો થઈ રહ્યા છે. જે દેખીતું છે. તેનો વિરોધ કરવાનો કોઇ મતલબ રહેતો નથી. પ્રજાનો વધુ વિકાસ થાય દેશ આગળ વધે જેમાં અમો સહભાગી બનીએ તે હેતુથી સ્વેચ્છાએ આજરોજ અમો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છીએ તેમ જણાવ્યુ હતું.


