- પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી
- અગાઉ દબાણકારોને નોટિસ ફટકારાઇ હતી
- કેટલાકે સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા
તારાપુર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દબાણકર્તાઓએ ગેરકાયદે દબાણો ઉભા કર્યા હતાં. મંગળવાર સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ તારાપુર શહેર છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે દબાણો ખડકાયા હતા. જેમાં તારાપુર નાની-મોટી ચોકડી તેમજ અન્ય વિસ્તારોમાં પણ દબાણો થયાં હતાં ત્યારે તંત્ર દ્વારા તા. 27મીના રોજ નાનાં-મોટાં 115 જેટલાં દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. તારાપુર હાઈવે પર આવેલ 30 મીટરના સિમાંકનમાં તારાપુર નાની ચોકડીએથી મોટી ચોકડી સુધીના રોડની બંન્ને બાજુ 12 મીટરના તથા કાંસ વિભાગ પરના બંન્ને તરફે 15 મીટર દબાણો હટાવવાની નોટિસો તંત્રે અગાઉ આપી હતી. જેમાં ગત રોજ રાત્રી ઘણા ખરા લોકોએ પોતાના દબાણ સ્વૈચ્છિક રીતે હટાવી લીધા હતા પરંતુ પાકા બાંધકામવાળાં દબણો પર તંત્રનુ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે, આ મામલે તંત્ર દ્વારા પણ વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવ્યો હોવાનું દબાણકારો આક્ષેપો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તારાપુર શહેરમાં તંત્ર દ્વારા અગાઉ પણ દબાણો હટાવવામાં આવ્યાં હતાં ત્યારબાદ થોડા દિવસો બાદ ફરીથી દબાણોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. હાલ તૂટેલ દબાણ કાયમી રહેશે કે પછી અગાઉની જેમ ફરીથી દબાણોનો ખડકલો થશે? તે જોવું રહ્યું.


