- ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળી કોર ગ્રુપ કમિટીની બેઠક
- 8 રાજ્યોની બેઠકમાં લોકસભાના ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા
- આવતીકાલે મળશે કેન્દ્રીય ચૂંટણી સમિતિ CECની મહત્વની બેઠક
લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે જોરદાર મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે 28 ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં 8 રાજ્યોની કોર ગ્રુપ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ગોવા, ત્રિપુરા અને દિલ્હીને લઈને ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ કોર કમિટીની બેઠક ગુરુવારે બપોરે 12 વાગ્યે મળશે અને રાજ્યની તમામ બેઠકો પર ચર્ચા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ, સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક મળશે. ગુરુવારે યોજાનારી CECની બેઠક પહેલા ભાજપ રાજ્યોની કોર ગ્રુપ કમિટી સાથે બેઠક પૂર્ણ કરવા માંગે છે.
ગુરુવારે મળશે ભાજપની CECની બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીને લઈને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક ગુરુવારે 29 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યે યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત CEC સભ્યો હાજરી આપશે. બેઠકમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવશે.
ક્યારે જાહેર થશે ભાજપના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ?
સૂત્રોએ જણાવ્યું છે કે ગુરુવારના રોજ યોજાનાર CECની બેઠકમાં લોકસભા ચૂંટણી માટે 19 રાજ્યોના લગભગ 100 ઉમેદવારોની પ્રથમ યાદીને મંજૂરી આપવામાં આવી શકે છે અને ભાજપ ગુરુવારે મોડી રાત્રે અથવા 1 માર્ચે પ્રથમ યાદી જાહેર કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશની 14 બેઠકોના ઉમેદવારોના નામ પણ પ્રથમ યાદીમાં સામેલ થવાની શક્યતા છે.
મહત્વનું છે કે, ભાજપે લોકસભા ચૂંટણીમાં NDA માટે 400 બેઠકો અને ભાજપ માટે 370 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તાજેતરમાં જ પીએમ મોદીએ પાર્ટીને GYAN ફોર્મ્યુલા આપી હતી, જેમાં G-ગરીબ, Y-યુવા, A-અન્નદાતા એટલે કે ખેડૂતો N–નારી શક્તિના કલ્યાણની વાત કરી હતી. આ વખતે ભાજપનું ધ્યાન પણ પોતાની તરફેણમાં વોટ ટકાવારી વધારવા પર છે.


