- પાઇપલાઇન માટે રોડ ખોદી નાખવામાં આવ્યો હતો
- માટીનું યોગ્ય પુરાણ કરવામાં નહી આવતા અકસ્માતનો ભય
- માટી પુરાણ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે
કલોલના ગુરૂકુળ પાસે પલાસણા જતા રોડ ઉપર પાઈપલાઈન માટે રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પાઈપો નાખવામાં આવી હતી. પાઈપ નખાઈ ગયા બાદ રોડમાં માટીનું પુરાણ બરાબર કરવામાં નહી આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે અહિ યોગ્યરીતે માટી પુરાણ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
કલોલના હાઈવે ઉપર ગુરૂકુળ પાસે પલસાણા જતા રોડ ઉપર પાઈપલાઈન નાખવા માટે રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો. સતત અઠવાડીયા સુધી કામ ચાલુ રહ્યું હતું. તેના પગલે રોડ બંધ રાખવામાં આવ્યો હતો. રોડ બંધ રાખવામાં આવ્યો હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી. તેઓને ગંતવ્ય સ્થળે પહોંચવા વધુ અંતર કાપીને જવુ પડતુ હતું. તાજેતરમાં પાઇપલાઇનનું કામ પુરૂં થતા તંત્ર દ્વારા માટી પુરાણ કરવામાં આવેલું છે. પરંતુ યોગ્ય રીતે માટી પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ખાડા ટેકરાવાળું માટી પુરાણ કરવામાં આવ્યું છે. જેના કારણે નાનામોટા અકસ્માતની શકયતાઓ જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય માટી પુરાણ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


