- લોકસભા ચૂંટણીને લઈને NDA ગઠબંધનના પક્ષોમાં ચર્ચાઓનો દૌર
- આસામની 14 બેઠકોને લઈને ભાજપ અને સહયોગી પાર્ટીઓ વચ્ચે સમાધાન
- આસામની 11 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત : આસામ મુખ્યમંત્રી
દેશમાં આગામી લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષો વચ્ચે આસામમાં સીટ શેરિંગને લઈને સમજૂતી થઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. આ સમાધાન મુજબ, ભાજપ આસામની 11 બેઠકો પર લોકસભા ચૂંટણી લડશે જ્યારે તેની સહયોગી આસામ ગણ પરિષદ (AGP) 2 બેઠકો પર અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) 1 બેઠક પર ચૂંટણી લડશે. AGP બારપેટા અને ધુબરીથી ચૂંટણી લડશે, જ્યારે UPPL કોકરાઝારમાં પોતાના ઉમેદવાર ઉભા કરશે.
હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના સહયોગી તમામ 14 મતવિસ્તારોમાં એકબીજાના ઉમેદવારોને સમર્થન આપશે. હિમંતા બિસ્વા શર્માએ ભાજપ સ્ટેટ યુનિટ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું, “ગઈ કાલે, ભાજપના પ્રદેશ પ્રમુખ ભાભેશ કલિતા અને હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અમારા રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષ સાથે બેઠક કરી હતી. જેમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થઈ હતી.”
આસામની 14માંથી 11 સીટો જીતવાની આશા: હિમંત
હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે UPPL એ કોકરાઝાર બેઠકની માંગ કરી હતી જેના પર ભાજપે સહમતી વ્યક્ત કરી હતી. સીએમ હિમંતાએ વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્યભરમાં તેનો આધાર ધરાવતી AGP વધુ બેઠકો ઇચ્છતી હતી, પરંતુ મેં તેમને આ વખતે 2 બેઠકો પરથી ચૂંટણી લડવાની અમારી કેન્દ્રીય નેતાગીરીની વિનંતી અંગે જાણ કરી અને તેઓએ અમારી વિનંતી સ્વીકારી લીધી છે. રાજ્યની કુલ 14 બેઠકોમાંથી અમને 11 બેઠકો જીતવાની આશા છે.
આસામથી કાર્યકાળ પૂર્ણ કરતી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના 9 સાંસદો છે, જ્યારે AGP અને UPPL પાસે કોઈ પ્રતિનિધિત્વ નથી. કોંગ્રેસ પાસે 3 બેઠકો છે, AIUDF પાસે 1 સીટ છે, જ્યારે 1 સીટ અપક્ષ ઉમેદવાર પાસે છે.


