- વિશ્વનો માત્ર ત્રીજો ખેલાડી
- પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા 9/279, ગ્રીને (103*) બીજી સદી ફટકારી, મેટ હેનરી 4/43.
- ઓવરઓલ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અગાઉ માત્ર પાંચ જ ટેસ્ટ 29મી ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરુન ગ્રીને ન્યૂઝીલેન્ડ સામે રમાતી પ્રથમ ટેસ્ટ મેચમાં સદી નોંધાવવા ઉપરાંત પોતાની ટીમની બાજી સંભાળી હતી. તેણે સદી નોંધાવવાની સાથે એક યુનિક સિદ્ધિ પણ હાંસલ કરી હતી. ગ્રીનની આ સદી 29મી ફેબ્રુઆરી એટલે કે ચાર વર્ષમાં આ તારીખ એક જ વખત આવે છે. ગ્રીન 29મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સદી નોંધાવનાર વિશ્વનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. ઓવરઓલ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અગાઉ માત્ર પાંચ જ ટેસ્ટ 29મી ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેમરુન પહેલાં સાઉથ આફ્રિકા માટે ગ્રીમ સ્મિથ અને નીલ મેકેન્ઝીએ આ સિદ્ધિ મેળવી હતી. બંનેએ આફ્રિકા માટે એક જ મેચમાં અને એક જ ઇનિંગમાં સદી ફટકારી હતી. 29મી ફેબ્રુઆરીથી રમાયેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સદી નોંધાવવાના મામલે ગ્રીમ સ્મિથ અને મેકેન્ઝી પ્રથમ બે સ્થાને છે. બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગ ટેસ્ટના પ્રથમ દિવસે સ્મિથે અણનમ 223 તથા મેકેન્ઝીએ અણનમ 169 રન બનાવ્યા હતા. કેમરુન ગ્રીન અણનમ 103 રન બનાવીને આ ઇલિટ યાદીમાં સ્થાન મેળવનાર વિશ્વનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેની સદી વડે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે નવ વિકેટે 279 રન બનાવ્યા હતા. કોઈ પણ કાંગારુ બેટ્સમેન 40થી વધારાનો સ્કોર નોંધાવી શક્યો નહોતો.
કેમરુન ગ્રીન બેટિંગમાં આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં હતું અને ટીમે 65 રનના સ્કોરે સ્ટિવ સ્મિથ (31) તથા લાબુશેનની (1) વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ખ્વાજા (33) અને ટ્રેવિસ હેડ (1) પણ પેવેલિયન પરત ફરતા ઓસ્ટ્રેલિયાનો સ્કોર ચાર વિકેટે 89 રનનો થયો હતો. માર્શ અને ગ્રીને 67 રનની ભાગીદારી નોંધાવીને ટીમને રકાસમાંથી ઉગારી હતી. માર્શે 39 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટમ્પના સમયે ગ્રીન 155 બોલમાં 16 બાઉન્ડ્રી વડે 103 તથા જોશ હેઝલવૂડ ખાતું ખોલાવ્યા વિના રમી રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે મેટ હેનરીએ 43 રનમાં સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી.
લેગ સાઇડના બાઉન્સર ઉપર પ્રતિબંધ મૂકવાની સ્મિથે હાકલ કરી
વેલિંગ્ટન : ઓસ્ટ્રેલિયાના સિનિયર ખેલાડી સ્ટિવ સ્મિથે પેસ બોલર્સ દ્વારા લેગ સાઇડ ઉપર સતત ફેંકવામાં આવતા બાઉન્સર ઉપર પ્રતિબંધ મૂકવા ક્રિકેટ અધિકારીઓને આગ્રહ કર્યો છે. સ્મિથનું માનવું છે કે બાઉન્સર્સના કારણે બેટ્સમેન સ્ટમ્પની સામેના વી-એરિયામાં ક્યાંય પણ શોટ્સ રમી શકતા નથી. બોલર્સને આવા એક કે બે બોલ નાખવાની મંજૂરી હોવી જોઈએ. ત્યારબાદ તેને ચેતવણી આપવી જોઈએ અથવા બોલને વાઇડ જાહેર કરવો જોઈએ.
સ્મિથે જણાવ્યું હતું કે લેગ સાઇડમાં બાઉન્સર ફેંકવાના નિયમમાં ફેરફાર થવો જોઈએ. તમે સ્ટમ્પની સામે એટલે કે નોન-સ્ટ્રાઇકર છેડે ઊભેલા અમ્પાયરની આસપાસના એરિયામાં શોટ્સ રમી શકતા નથી.


