- બ્રિટિશ કોલંબિયાની મુલાકાત પહેલા ભારતીય હાઈ કમિશનરને મળી ધમકી
- બ્રિટિશ કોલંબિયાના સરેમાં મુલાકાત દરમિયાન ટાર્ગેટ કરવાની ધમકી
- SJF દ્વારા થઈ રહ્યો છે ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ’: વર્મા
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા બ્રિટિશ કોલંબિયાની મુલાકાતે જવાન છે. વર્માની આ મુલાકાત પહેલા અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ)એ તેમને હુમલાની ધમકી આપી છે. વર્માએ બ્રિટિશ કોલંબિયાની મુલાકાત દરમિયાન રાજધાની વિક્ટોરિયા તેમજ વેનકુવર અને સરેમાં રોકાણ કરવાનું છે.
સંજય કુમાર વર્મા આજે 1 માર્ચ શુક્રવારના રોજ સરેના મેયર બ્રેન્ડા લોક અને સરે બોર્ડ ઓફ ટ્રેડ સાથે એક બેઠક કરવાનો કાર્યક્રમ છે. પોતાના ઈમેલમાં ગુરપતવંત પન્નુએ ધમકી આપતા કહ્યું છે તેમનું ગ્રુપ 1 માર્ચના રોજ વર્માને ટાર્ગેટ કરશે.
SFJનું વિરોધ પ્રદર્શન
પન્નુએ કહ્યું, ” ભારત નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવા માટે જવાબદાર છે. તેમની મુલાકાત દરમિયાન ખાલિસ્તાન સમર્થક શીખોને સરેમાં ભારતીય હાઈ કમિશનરને સીધા જ ટાર્ગેટ કરવાની તક મળશે.” આટલું જ નહીં સરે ખાતે જુથ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે.
કેનેડીયન અધિકારીઓને આપી જાણકારી
ગત માર્ચ બાદ વર્માની બ્રિટિશ કોલંબિયાની આ પહેલી મુલાકાત છે. SJFના સંદેશ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે કે, ‘મે મારા વિરુદ્ધ મળેલ ધમકીને લઈને કેનેડીયન અધિકારીઓને જાણકારી આપી દીધી છે. તેમણે મને મારી સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે.’
‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ’
તેમણે કહ્યું કે જેમ કે તમે જાણો જ છો કે SFJ એ ભારતના અનલોફુલ એસોસિએશન પ્રિવેન્શન એક્ટ હેઠળ એક પ્રતિબંધિત સંગઠન છે, જે કેનેડા અને ભારત વચ્ચેના સમૃદ્ધ દ્વિપક્ષીય સંબંધોને બગાડવાનો પ્રયાસ કરે છે. પન્નુ દ્વારા ટાર્ગેટ કરવાની વાત તરફ ઈશારો કરતાં વર્માએ કહ્યું, “તેઓ લાંબા સમયથી આવું કરી રહ્યા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થઈ રહ્યો છે.”
ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની ગત વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયા શહેરમાં હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સ ખાતે સંબોધન કરતાં નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા.


