- બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ થતાં 9 લોકો ઘાયલ
- હજુ સુધી કોઈના મોતના સમાચાર સામે નાથી આવ્યા
- સીએમ સિદ્ધારમૈયાએ વ્યક્ત કરી IED બ્લાસ્ટની આશંકા
બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ થયો છે જેમાં ઓછામાં ઓછા 9 લોકોના ઘાયલ થયાના અહેવાલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પહેલા જણાવ્યું હતું કે બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ નથી થયો, IED બ્લાસ્ટ થયો છે. જોકે, હવે, SM કહી રહ્યા છે કે ઘટના પાછળ IED બ્લાસ્ટની આશંકા છે.
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, કહેવાઈ રહ્યું છે કે આ IED બ્લાસ્ટ છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. હવે રાહ જોવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામેશ્વરમ કાફેમાં કોઈએ બેગ મૂકી હતી.
કાફેમાં બ્લાસ્ટની ઘટના બાદ વ્હાઈટફિલ્ડના ફાયર સ્ટેશને જણાવ્યું કે અમને ફોન આવ્યો કે રામેશ્વરમ કાફેમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. અમે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ડોગ સ્ક્વોડની સાથે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા હતા. તો, રેસ્ટોરન્ટના એક સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે, “હું કાફેની બહાર ઊભો હતો. રેસ્ટોરન્ટમાં ઘણા ગ્રાહકો હતા. અચાનક એક જોરદાર અવાજ સંભળાયો અને આગ ફાટી નીકળી હતી. જેને કારણે હોટલની અંદર હાજર લોકો ઘાયલ થયા હતા.
અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રામેશ્વરમ કાફેમાં શંકાસ્પદ એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને તેણે કારણે આગ લાગવાથી ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા હતા. જો કે, હજુ સુધી ઘાયલ લોકોનો ચોક્કસ આંકડો સામે નથી આવ્યો. પોલીસે જણાવ્યું કે 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર કુંદનહલ્લીના રામેશ્વરમ કાફેમાં બપોરે 1.30 થી 2 વાગ્યાની આસપાસ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. જો કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ઘટનાની તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ.


