- કોરોના વેક્સીનને લઈને કર્યા ભારતના વખાણ
- ‘AIને લઈને થઈ રહ્યું છે શાનદાર કામ’: બિલ ગેટ્સ
- “લોકશાહી જોરદાર કામ કરે તે મેજિક જેવુ લાગે છે”
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અંગે બિલ ગેટ્સે કહ્યું કે આજે આર્થિક વિકાસ અને નવીનતાના સંદર્ભમાં ભારતની તાકાત ખૂબ જ રોમાંચક છે. તેમણે કહ્યું કે જ્યારે લોકશાહી સારી રીતે કામ કરે છે ત્યારે તે જાદુ જેવું લાગે છે. આ એક એવી સિસ્ટમ છે જે દરેક માટે કામ કરે છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતના ભવિષ્યને લઈને આશાવાદી છે? ત્યારે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું કે હું ચોક્કસપણે આશાવાદી છું. ઘણા મુખ્ય ક્ષેત્રોમાં સુધારાનો દર ખૂબ જ મજબૂત છે.
‘કોરોના વેક્સીનના સંદર્ભમાં ભારતની નજીક કોઈ નથી’
વેક્સીન બનાવવા માટે ભારતની પ્રશંસા કરતા બિલ ગેટ્સે કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે ભારત વેકસીનના મામલે વિશ્વમાં અગ્રેસર છે. તેથી જ અમે ભારતમાં ઘણી નવી રસી લાવવા માટે અમારા ભાગીદારો સાથે રોકાણ કરી રહ્યા છીએ. ભારતમાં કોવિડ-19 વેકસીનના ઉત્પાદન પર તેમણે કહ્યું કે એસ્ટ્રાઝેનેકા વેકસીન કોઈપણ વેકસીન નિર્માતા માટે ઉપલબ્ધ હતી. અમે સીરમ ઇન્સ્ટિટ્યૂટને 300 મિલિયન ડોલરનું ભંડોળ મેળવવામાં મદદ કરી અને તેઓ ખૂબ જ ઝડપથી પ્રોડક્શનમાં લાગી ગયા. ખરેખર, પશ્ચિમ અને ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક અનુકરણીય રીતે કામ કરી રહ્યા હતા.
‘AIને લઈને થઈ રહ્યું છે શાનદાર કામ’
ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અંગે બિલ ગેટ્સે કહ્યું કે આ દેશમાં AIને લઈને ઘણું સારું કામ થઈ રહ્યું છે. તમારી પાસે વાધવાની જેવા ગ્રુપ છે, તમારી પાસે IIT જૂથો છે જેમાં અત્યંત આધુનિક સુવિધાઓ છે. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ભારત સ્વાસ્થ્ય ક્ષેત્રે અને ગરીબ લોકોને મદદ કરી રહ્યું છે. આમાં સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં બિલ ગેટ્સે કહ્યું કે અમારા ફાઉન્ડેશનને તેને આકાર આપવા અને સમર્થન કરવામાં ગર્વ થશે.


