- આરોગ્યની 17 ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને સરવે હાથ ધરાયો
- 34 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી,19 હજુ હોસ્પિટલમાં
- પાણીની લાઈનોમાં 3 લિકેજ મળ્યા, સપ્લાય બંધ કરવા તાકીદ કરાઈ
કલોલ પૂર્વ વિસ્તારમાં ફાટી નીકળેલા રોગચાળામાં ચાર દિવસમાં ઝાડા-ઊલટીના કુલ 145 કેસ સામે આવ્યા છે. 145 દર્દીઓમાંથી 34 જેટલાને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેમાંથી 15ને રજા અપાતા હાલ 19 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીની લાઈનમાં ત્રણ જેટલા લિકેજ મળી આવ્યા છે. જેને બંધ કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાઈ છે. સાથે જ પાણીના સેમ્પલમાંથી એક નોર્મલ અને બીજામાં સેમ્પલમાં પાણી પીવા યોગ્ય નહીં હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવેની કામગીરી કરાઈ રહી છે.
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં 15 જેટલા સોસાટીના વિસ્તારમાંથી 27 ફેબ્રુઆરીના રોજ ઝાડા-ઊલટીના કેસો સામે આવ્યા હતા. એક દિવસમાં 36 જેટલા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. જેમાં બાદ ચાર દિવસમાં સતત નોંધાયેલા કેસોમાં કુલ આંકડો 145 પર પહોંચી ગયો હતો. રોગચાળાના પગલે આરોગ્ય વિભાગની 17 જેટલી ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને સરવેની કામગીરી કરાઈ રહી છે. જેમાં શુક્રવારે 8 જેટલી સોસાયટીમાં 4368 લોકોને આવરી લેતા 683 જેટલા ઘરોનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં આઆરએસના પેકેટ, જરૂરી દવાઓ અને ક્લોરીનની ટેબલેટ આપવામાં આવી હતી. કોલેરાની શંકાએ આરોગ્ય તંત્ર દ્વારા પાંચ જેટલા સેમ્પલ લેવાયા છે. જેમાંથી આવેલા એક રિપોર્ટમાં કોલેરા નેગેટિવ આવ્યો છે. જ્યારે ચાર જેટલા સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધી અસરગ્રસ્ત વિસ્તારમાં 3020થી વધુ ક્લોરીન ટેબલેટ અને 4900થી વધુ ઓઆરએસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. રોગચાળાને લઈને પાલિકા દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં 3 જગ્યાએ લીકેઝ મળી આવ્યા હતા. તે રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઈને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બે મેડિકલ ઓફિસર અને 34 પેરા મેડિકલ સ્ટાફ સાથે કુલ 17 ટીમ દ્વારા 200થી વધુ આરસી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રોગચાળાને લઈને મુખ્ય જિલ્લા અધિકારી એ. જે. વૈષ્ણવ દ્વારા કલોલ પાલિકાને સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક પાણીનો સપ્લાય બંધ કરાવીને સુપર ક્લોરીનેશનવાળુ પાણી પહોંચાડવા માટે જાણ કરાઈ હતી. બનાસનગર પાણીની ટાંકી પાસેનો વાલ્વ લિકેજ હોવાથી પાણી દુષિત થવાની સંભાવના છે. બીજી તરફ શ્યામ હાઈટ્સ ફ્લેટ પાછળના વિસ્તારમાં ગટર ઉભરાવવાથી ગંદકી ફેલાયેલી છે. જેમાં પાઈપલાઈન લીકેજ હોય તો રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે. રોગચાળાને પગલે કલેક્ટર મેહુલ દવે દ્વારા સમીક્ષા કરીને તાત્કાલિક જરૂરી પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. મોદી દ્વારા પણ અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
કલોલ CHC-PHC ખાતે 24 કલાક ઓપીડીની સુવિધા
રોગચાળાના લઈને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલોલ સીએચસી અને પીએચસી ખાતે 24 કલાક ઓપીડી ચાલે તે માટેનું આયોજન કર્યું છે. પૂર્વ વિસ્તારમાં બનાસનગર, શ્રીજી સોસાયટી વિભાગ-1 અને 2, પ્રભુનગર, તેજાનંદનગર, ત્રિકમનગર, જય વિજય સોસાયટી, હંસ સોસાયટી, આઝાદનગર, ગણેશ કુંજ, પુષ્પકુંજ, દેવનગર, દીવડા તલાવડી, શિવરાજપાર્ક સોસાયટી, કૈલાશનગર, ચાંમુડાનગર જેવા વિસ્તારમાં ઝાડા-ઊલટીના કેસો સામે આવ્યા છે.
પાણી અને ગટરની લાઈનો બદલવા માંગ
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં અવારનવાર ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળતો હોય છે. નારગિકો દ્વારા કલોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ વિસ્તારની પાણીની પાઈપલાઈનો અને ગટરની લાઈનો બદલાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


