- BCCIએ 28 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું
- સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી ઈશાન કિશન અને ઐયરની બાદબાકી
- ઈંગ્લેન્ડ સીરિઝમાં ટીમ મેનેજમેન્ટે ઈશાન કિશનનો સંપર્ક કર્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ થોડા દિવસો પહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું હતું, જેના સંદર્ભમાં ઈશાન કિશન અને શ્રેયસ ઐયર એવા બે મોટા નામ છે જે હેડલાઈન્સમાં છે કારણ કે તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી. ઐયર અને કિશનને ભારતીય ટીમમાં સતત તકો મળી રહી હતી, તેમ છતાં તેમને આ યાદીમાં સ્થાન મળ્યું નથી.
ખાસ કરીને જો ઈશાન કિશનની વાત કરીએ તો તેણે અંગત કારણોને ટાંકીને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બ્રેકની માંગ કરી હતી, જે બાદ તેની માંગણી પણ સ્વીકારવામાં આવી હતી. એવી અપેક્ષા હતી કે નેશનલ ટીમમાંથી બ્રેક લીધા બાદ કિશન ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે, પરંતુ તેણે તેમ કર્યું નહીં.
મેનેજમેન્ટે ઈશાન કિશનનો સંપર્ક કર્યો
હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટે ઈશાન કિશનનો સંપર્ક કર્યો હતો. જ્યારે કિશને કહ્યું કે તે હજુ રમવા માટે તૈયાર નથી. દરમિયાન, ધ્રુવ જુરેલ ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે જોડાયો છે, જેણે ચોથી ટેસ્ટ મેચમાં 90 રન અને 39 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી, જેના માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
કોચના નિવેદનની અવગણના
ઈશાન કિશન માટે સંજોગો વધુ ખરાબ થઈ રહ્યા છે, કારણ કે તાજેતરમાં જ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે જો કિશનને ફરીથી ટીમમાં સ્થાન બનાવવું હોય તો તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું પડશે. તેણે રાહુલના નિવેદનની અવગણના કરી અને રણજી ટ્રોફીમાં તેની ઝારખંડ ટીમ સાથે જોડાયો નહીં.
બીજી તરફ શ્રેયસ ઐયર પણ ચર્ચાનો વિષય બન્યો છે જેણે ઈજાના કારણે રણજી ટ્રોફીની એક મેચ માટે મુંબઈની ટીમમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં એનસીએનો રિપોર્ટ સામે આવ્યો, જેમાં ઐયરની ઈજા ખોટી હોવાનો મોટો દાવો કરવામાં આવ્યો હતો.


