- BCCIએ વર્ષ 2023-24 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો
- હાર્દિક પંડ્યાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ Aમાં સામેલ કરાયો
- સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી ઈશાન કિશન અને ઐયરની બાદબાકી
ભારતના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને BCCI દ્વારા તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ Aમાં સામેલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. એક તરફ ઈશાન કિશન અને શ્રેયસ ઐયરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે તે વાત ચાહકો પચાવી શકતા નથી, તો બીજી તરફ હાર્દિક પંડ્યાને માત્ર કોન્ટ્રાક્ટ જ નહીં પરંતુ ગ્રેડ Aમાં પણ રાખવામાં આવ્યો છે. BCCIના એક અધિકારીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે આવું કેમ કરવામાં આવ્યું છે.
હાર્દિકને A અને કુલદીપ B ગ્રેડ કેમ?
હાર્દિક પંડ્યાને કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા અને તેને A ગ્રેડ મેળવવાની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ગઈ કાલે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે BCCIના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે, તો પછી હાર્દિકને કયા આધારે કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, તેને A ગ્રેડ અને કુલદીપ યાદવને B ગ્રેડ મળવાની પણ ચર્ચા છે. ચાહકોનું કહેવું છે કે હાર્દિક પંડ્યા ઘણા સમયથી ક્રિકેટ નથી રમી રહ્યો, છતાં તેને ગ્રેડ Aમાં રાખવામાં આવ્યો હતો. બીજી તરફ, કુલદીપ યાદવ ભારત માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમે છે, તેમ છતાં તેને B ગ્રેડમાં રાખવામાં આવ્યો છે.
BCCIના અધિકારીએ શું કહ્યું?
BCCIના અધિકારીએ કહ્યું કે BCCIની મેડિકલ ટીમના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તે લાલ બોલની ક્રિકેટ રમી શકતો નથી, તેથી જ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યો ન હતો. કોન્ટ્રાકટ પર હસ્તાક્ષર કરતા પહેલા BCCIએ આ વિષય પર હાર્દિક સાથે વાત પણ કરી હતી. અધિકારી સાથેની વાતચીત દરમિયાન પંડ્યાએ કહ્યું કે તે અત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી શકશે નહીં, પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટ ચોક્કસ રમશે. તેણે કહ્યું કે તે સૈયદ મુશ્તાક અલી T20 અને વિજય હજારે ટ્રોફીમાં બરોડા તરફથી રમશે. આ શરતે BCCIએ તેમને એ ગ્રેડ આપ્યો છે.
ગ્રેડ Aમાં પંડ્યા સાથેના કોન્ટ્રાકટની સાથે, BCCI એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પણ તે ભારતીય ટીમ માટે નહીં રમે, જો તે દરમિયાન તે સૈયદ મુશ્તાક અલી T20 અથવા વિજય હજારે ટ્રોફી રમતા જોવા નહીં મળે, તો તેનો કોન્ટ્રાકટ ફરીથી રદ કરવામાં આવશે. આ કારણે ખેલાડીને A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યો છે.


