- સંસ્થા દ્વારા ઘટનાની જાણ કરાતા સાયલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
- ત્યાં સંકુલના છેવાડાના ભાગેથી અજાણ્યા પશુ તસ્કરો
- પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો
સાયલા-સુદામડા રોડ પર આવેલ મહાજન પાંજરાપોળ સંકુલમાં હાલ 1600થી વધુ નિરાધાર અને અશક્ત પશુઓનો નિભાવ થઇ રહ્યો છે. ત્યાં સંકુલના છેવાડાના ભાગેથી અજાણ્યા પશુ તસ્કરો દ્વારા રાતે સીસીસીટીવી કેમેરાને નુકસાન કરી, લાઇટો બંધ કરી પાંચ પશુઓને ઉઠાવી જવાના પ્રયાસ સમયે ચોકીદારોને શંકા પડતા દેકારો કરતા પાંચ જીવોને બાંધેલી હાલતમાં છોડી તસ્કરો નાસી છૂટયા હતા. રાત્રીના બનાવ બાદ સંસ્થાના કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. એથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
મહાજન પાંજરાપોળમાં બનેલ પશુ તસ્કરીના પ્રયાસની ઘટના બાદ સંસ્થાના ટ્રસ્ટીઓ જયંતિભાઇ સોલંકી,ધીરુભાઇ શાહ, મોન્ટુભાઇ શેઠ સહિતના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.સંસ્થા પરિસરમાં ગોઠવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ગત તા. 11મી ફેબ્રુઆરીએ પણ બે શખ્સો વંડી પર ચડી અંદર આવતા જોવા મળ્યા હતા. અગાઉ વર્ષ 2017માં પણ પાંજરાપોળમાંથી અજાણ્યા તસ્કરો 20 બકરા ઉઠાવી ગયાની ઘટનાનો ભેદ હજુ સુધી ખૂલ્યો નથી. ત્યાં પશુ ચોરીનો પ્રયાસ કરવાની ઘટના બહાર આવતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. થોડા સમય પહેલા મદારગઢ ગામે વાડામાં રાખેલા પચ્ચીસ બોકડા કારમાં ઉઠાવી જવાના બનાવમાં તસ્કર ટોળકીને ઝડપી લેવામાં પોલીસને સફ્ળતા મળી હતી સાયલા પોલીસ દ્વારા પાંજરાપોળમાં બનેલ બનાવ બાબતે હાલ તો ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરવા સાથે સંસ્થાના કર્મચારીઓની પુછપરછ હાથ ધરાઇ છે ત્યારે આમાં કોઇ જાણભેદુ હોવાની આશંકા પણ પ્રબળ બની છે. સંસ્થાના મેનેજર દિનેશભાઈ ડાબરાએ જણાવ્યું કે દર મહિનાની આખર તારીખે બધા પશુની ગણતરી કરાય છે. તેમાં હાલ કુલ 1635 વિવિધ પશુઓમાંથી 20થી વધુ પાડા જીવો ગુમ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. જે બાબતે અમારા તરફ્થી ટ્રસ્ટી મંડળને સાથે રાખી પોલીસને જાણ કરી ફ્રિયાદની કાર્યવાહી હાથ ધરાઇ છે.


