- સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધાનો સૂર્યોદય
- નવીન ડિસ્ટ્રિકટ હોસ્પિટલના નિર્માણથી થરાદના જનમનની વાત આજે સાકાર થઈ રહી છે
- સરહદી આઠ તાલુકાઓ માટે નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આરોગ્યની સંજીવની બનશે
સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થય સુવિધાઓ મળી રહે તે માટે આજે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહુર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું .અંદાજીત રૂ.54.16કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પુરી પાડશે જેના ખાતમુહુર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.
ખાતમુહુર્ત પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદના જન મનની વાત હોસ્પિટલના ખાતમુહુર્ત સાથે સાકાર થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે.આ હોસ્પિટલનો સંપૂર્ણ જશ થરાદની જનતાને જાય છે.જેમણે મારા પર મુકેલા વિશ્વાસ અને ભરોસા થકી આ શક્ય બન્યું છે.આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશ્કેલી સમયે તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી હોસ્પિટલની રૂપરેખા તૈયાર કરાઈ છે.આ હોસ્પિટલમાં એમઆરઆઈ અને સીટી સ્કેન સહિતની સુવિધાઓ ઉભી કરશે.આપણી આ હોસ્પિટલનું આજે ખાતમુહુર્ત થયું છેજેની કામગીરી બે વર્ષમાં પુરી થશે.આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત બનાસવાસીઓની ચિંતા કરી આપણને પાણી થી લઈ આરોગ્યની સુવિધાઓ આપી છે જે માણે આપણે એમના ઋણી છીએ.આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલના ખાતમુહુર્ત પ્રસંગે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલી આરોગ્ય સુવિધાઓ અંગે વિગતો રજૂ કરી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે થરાદમાં નિર્માણ થનારી આ હોસ્પિટલ સરહદી આઠ તાલુકા અને પડોશી રાજસ્થાન રાજ્ય માટે આરોગ્ય સુવિધાની સંજીવની પુરવાર થશે.આ સમગ્ર હોસ્પિટલની તમામ બાબતોમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન કર્યું છે.ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ગામડાઓ સુધી આરોગ્યની સુવિધાઓ પહોંચાડી રહી છે.ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ગકી દસ લાખ સુધીની આરોગ્ય સુવિધા નાગરિકોને મળી રહી છે.રાજ્યમાં 2.40 કરોડ પીએમજેવાય કાર્ડ નાગરિકોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે.બનાસના લોકો સ્વમાનભેર જીવન જીવે એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં વિકાસના અનેક કામ કર્યા છે જેના થકી આજે આ વિસ્તાર પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે.
સાસંદ પરબતભાઈ પટેલે પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત ટાંકીને જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં નિર્માણધીન અત્યાધુનિક હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપે બનશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગામડાઓ સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચી છે જેથી ગામડાઓમાં પણ મુશ્કેલીના સમયમાં આરોગ્યની સેવાઓ મળી રહી છે.આ પ્રસંગે ધારાસભ્યઓ પ્રવીણભાઈ માળી,માવજીભાઈ દેસાઈ,લવિંગજી ઠાકોર,જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ,પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા,પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડયા,ગોવાભાઈ દેસાઈ,માવજીભાઈ પટેલ,સંગઠન મહામંત્રી કનુભાઈ વ્યાસ,બનાસબેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી,નાયબ નિયામક ર્ડા.તૃપ્તિબેન દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


