- ઇજિપ્તના કાહિરામાં હમાસની સાથે યુદ્ધવિરામની અંતિમ તબક્કાની વાટાઘાટો પડી ભાંગી
- ઈઝરાયેલે ખાન યુનુસ અને ગાઝા સિટીમાં ભારે બોમ્બમારો કર્યો હતો
- હમાસના 30 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે
ગાઝામાં છ સપ્તાહના યુદ્ધવિરામનો પ્રસ્તાવ ટલ્લે ચડી ગયો છે. ઈજિપ્તની રાજધાની કાહિરામાં હમાસની સાથે યુદ્ધવિરામની અંતિમ તબક્કાની વાટાઘાટો એટલા માટે થઇ શકી ન હતી કેમ કે સશસ્ત્ર સંગઠને જીવતા ઈઝરાયેલી બંધકોની યાદી આપવાનો ઇનકાર કરી દીધો છે. તે પછી ઈઝરાયેલી પ્રતિનિધિમંડળ તેલઅવિવથી કાહિરા જવા માટે રવાના જ થયું ન હતું. આ અગાઉ ઈઝરાયેલ 130 બંધકોની મુક્તિના બદલામાં ગાઝામાં રમજાન મહિના દરમિયાન છ સપ્તાહના યુદ્ધવિરામ માટે તૈયાર થઇ ગયું હતું અને આખરી તબક્કાની વાટાઘાટો માટે હમાસનું પ્રતિનિધિમંડળ રવિવારે જ ઈજિપ્તની રાજધાની કાહિરા પહોંચી ગયું હતું. અમેરિકાએ પણ આ પ્રસ્તાવને ઉત્સાહજનક ગણાવતા અપેક્ષા વ્યક્ત કરી હતી કે ગાઝામાં ટૂંક સમયમાં જ યુદ્ધ અટકી જશે. આ દરમિયાન ઈઝરાયેલના લેટેસ્ટ હવાઇ હુમલામાં ગાઝાના રફાહ ક્ષેત્રમાં એક જ પરિવારના 14 લોકોના માર્યા જવાના અહેવાલો છે. ઈઝરાયેલે ખાન યુનુસ અને ગાઝા સિટીમાં ભારે બોમ્બમારો કર્યો હતો. આ કાર્યવાહીમાં ખાન યુનુસમાં હમાસના 30 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલો છે.
રફાહમાં મોટાભાગના લોકો ભાગદોડમાં માર્યા ગયાં હતાં : રિપોર્ટ
રફાહમાં 118 લોકોના મોતના મામલે ઈઝરાયેલની સેનાનો સમીક્ષા રિપોર્ટ જાહેર થઇ ગયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલીક ગેરસમજને પગલે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક લોકો માર્યા ગયાં હતાં. જો કે વધારે લોકો તે પછી થયેલી ભાગદોડમાં માર્યા ગયાં હતાં. જો કે હોસ્પિટલના રિપોર્ટમાં જણાવાયું હતું કે મૃતકો અને સેંકડો ઘાયલોના શરીર પર ગોળીઓના નિશાન મળી આવ્યા હતાં. અહેવાલો અનુસાર આ લોકો ફૂટ પેકેટ લેવા માટે એકત્ર થયાં હતાં.


