રાજકોટ રેલવે ડિવિઝનમાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
પ્રણાયામ-ધ્યાનને જીવનનો હિસ્સો બનાવવો જોઇએ : મેનેજર
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026ની થીમ “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા અનુસાર, રાજકોટ સ્થિત કોઠી કમ્પાઉન્ડ રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું,
વિશ્વ પ્રસિદ્ધ પતંજલિ યોગ સમિતિ, રાજકોટ કેન્દ્રના યોગ પ્રશિક્ષકો ગોપાલ શર્મા અને કિશોરભાઈ રાઠોડ તેમજ તેમની ટીમની દોરવણી હેઠળ રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોને આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત વિવિધ યોગાશન, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત અભ્યાસ કરાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગાશન, પ્રાણાયામ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ અને પોતાના પરિવારજનોને પણ આ માટે પ્રેરિત કરવા જોઈએ, જેથી દરેક વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નિરોગી અને સ્વસ્થ રહી શકે.
સામૂહિક યોગ અભ્યાસના આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત વી. સોલંકી, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન રાજકોટના અધ્યક્ષા મુકેશી મીના, સંગઠનના અન્ય સભ્યો, રેલવે સુરક્ષા દળ, સ્કાઉટ્સ અને ગાઇડ્સ, સિવિલ ડિફેન્સ રાજકોટની ટીમ તેમજ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.


