- ઉર્જા સુરક્ષાને લઈને ભારત શ્રીલંકા વચ્ચે સ્થપાશે નવા સંબંધો
- ભારતીય હાઈ કમિશનરની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
- સબમરીન કેબલના માધ્યમથી બનશે અંડર-સી ટ્રાન્સમિશન લાઇન
ભારત અને શ્રીલંકા વચ્ચે નવો સંબંધોની શરૂઆત થઈ રહી છે. બંને દેશો વચ્ચે દરિયાની અંદર બનનાર ટ્રાન્સમિશન લાઇન દ્વારા નવા સંબંધો સ્થાપિત થશે. વાસ્તવમાં શ્રીલંકાને ભારતીય પાવર ગ્રીડ સાથે જોડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને દેશો અંદાજિત 1.2 બિલિયન અમેરિકન ડોલરની ટ્રાન્સમિશન લાઇન પર કામ કરી રહ્યા છે. આ લાઇન દરિયાની અંદર બનાવવામાં આવી રહી છે. શ્રીલંકન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઉર્જા સુરક્ષા પ્રાપ્ત કરવા માટે શ્રીલંકાના વીજ પુરવઠાને ભારત સાથે જોડવામાં આવી રહ્યો છે.
આ બે શહેર વચ્ચે સ્થપાશે સંપર્ક
આ પ્રસ્તાવ હેઠળ શ્રીલંકાના ઉત્તર મધ્યમ આવેલા શહેર અનુરાધાપુર અને ભારતમાં તમિલનાડુની રાજધાની ચેન્નાઈ વચ્ચે સંપર્ક સ્થાપિત થશે. બંને શહેરોને ડાયરેક્ટ પાવર લાઈન દ્વારા જોડવામાં આવી રહ્યા છે. ભારતમાં 130 કિલોમીટર લાંબી ટ્રાન્સમિશન લાઇન જમીન પર હશે. ત્યારબાદ, પૂર્વોત્તર શ્રીલંકામાં મન્નારમાં તિરુકેથીશ્વરમ સુધી (સબમરીન કેબલના માધ્યમથી) દરિયાની નીચેથી (અન્ડર-સી) ટ્રાન્સમિશન લાઇન કાઢવામાં આવશે.
ભારતીય હાઈ કમિશનરની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
શ્રીલંકાના ઉર્જા મંત્રાલયના સચિવ સુલક્ષણા જયવર્દનેએ કહ્યું કે, ભારતના પાવર ગ્રીડ સાથે જોડાવાથી ઉર્જા સુરક્ષામાં વધારો થશે. પાવર સેક્ટરમાં સહયોગ માટે ભારત-શ્રીલંકા જોઈન્ટ વર્કિંગ ગ્રુપ (JWG)ની બેઠકના થોડા દિવસો બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. JWGની પાંચમી બેઠક 28 ફેબ્રુઆરીના રોજ કોલંબો ખાતે યોજાઈ હતી. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. જયવર્દનેના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં પાવર ગ્રીડ ઇન્ટરકનેક્શનના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.


