- મહિલાઓએ હાથમાં ઘુઘરા અને થાળી વેલણ લઈ ભજન સાથે રામધુન ગાઈ
- અન્ય જિલ્લા કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઓછુ વળતર મળ્યું
- 300 થી વધુ ખેડૂત ભાઈ-બહેનોનો ભરૂચ કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર અપાવવાના મુદ્દે લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચુંટણી પહેલા નેતાઓ અને સરકાર પર દબાણ લાવવા ફરી એકવાર 300 થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ધામા નાંખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતર ચૂકવવાની રજુઆત દોહરાવી હતી.
જિલ્લામાં કેન્દ્ર અને રાજય સરકારનાં વિવિધ પ્રોજેકટ ચાલી રહ્યા છે. જેમાં બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજના અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે મુખ્ય છે. અન્ય જિલ્લાઓમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનારા ખેડૂતોને સરકારે સારૂ વળતર આપ્યુ છે. પરંતુ ભરૂચના કિસાનોને ઓછું વળતર મળ્યુ છે. જેથી છેલ્લા 4 વર્ષથી ભરૂચ જિલ્લામાં 38 જેટલા ગામોનાં ખેડૂતો વળતરની માગ કરી રહ્યા છે. આટલા વરસોમાં જિલ્લા કલેકટરને તેમણે 55 વાર આવેદનપત્ર પાઠવ્યુ છે. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સ્થાનિક નેતાઓને પણ વારંવાર મળી રજુઆત કરી છે. પરંતુ સરકાર દ્વારા તેમની રજુઆતો ધ્યાને લેવાતી નથી. માત્ર વળતર જ નહી પરંતુ બીજી કેટલીક સમસ્યાઓ જેવી કે, ભાડભૂત બેરેજ યોજનાના જાહેરનામાં 2018 થી આજદીન સુધીની કાર્યવાહીની મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા, આડબંધ બાંધતા પહેલા પુર સંરક્ષણ દિવાલ બનાવવી, આ દિવાલ ન બનવાથી આડબંધનુ કામ અટકાવવા, હાઈવે ઓથોરીટી અને ખેડૂતોની વચ્ચે થયેલી ચર્ચા મુજબ 675 રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર આપવા માટે માંગ કરી રહ્યા છે.
પરંતુ ખેડૂતોની વાત સાંભળવામાં આવતી ન હોવાથી તેઓએ અહિંસક આંદોલનના માર્ગે વળ્યા છે. આજે 300 થી વધુ ખેડૂતોએ જિલ્લા કલેકટર કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓએ હાથમાં ઘુઘરા અને થાળી વેલણ લઈ ભજન સાથે રામધુન ગાઈ હતી.
મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે, અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે અમે જિલ્લા કલેકટર સુધી વાત પહોંચાડવા આ રીતે વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોએ પોતાની માંગ નહીં સંતોષાય તો આવનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ કરાય છે રજૂઆત
ભરૂચના અસરગ્રસ્ત ખેડૂતોએ 6 એપ્રિલ 2023 ના રોજ દિલ્હી ખાતે નિતીન ગડકરીને મુલાકાત લીધી હતી જેમાં તેમણે કલેકટરને આ મામલે સુચનાઓ આપી હતી તેમ છતાંય કોઈપણ કાર્યવાહી કરાઈ નથી. જેને કારણે ખેડૂતોએ કોર્ટ કેસ કરવાની ફરજ પડી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં બજાર કિંમત રીવાઈઝ કરીને વળતર ચુકવવામાં આવેલ છે અને ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં 900 રૂપિયા પ્રતિ ચો.મી. થી લઈ 1782 રૂપિયા ચો.મી. પ્રમાણેનું વળતર ચુકવવામાં આવ્યુ છે પરંતુ ભરૂચમાં તેના કરતા ઓછું વળતર અપાયુ છે જેના કારણે ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો છે.


