- ભાજપ જેવો પ્રચાર થાય છે તેનાથી કેટલો જુદો છે : મોઢવાડિયા
- અંબરીષ ડેર, મુળુભાઈ કંડોરિયા સહિત કોંગ્રેસના નેતા, કાર્યકરોને પાટીલે ખેસ- ટોપી પહેરાવી આવકાર્યા
- કોંગ્રેસમા બદલાવ લાવવા જેમણે પણ પ્રયાસો કર્યા તે નિષ્ફળ રહ્યા છે
કોંગ્રેસમાં ચાર દાયકાના સંધર્ષ બાદ પોરબંદરના ધારાસભ્યપદેથી રાજીનામુ આપીને અર્જુન મોઢવાડિયાએ મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યલાય- શ્રી કમલમ્ના પગથિયા ચઢયા હતા. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલના હાથે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, મુળુભાઈ કંડોરિયા સહિતના નેતાઓ સાથે કમળછાપ ખેસ, ટોપી પહેર્યા બાદ સ્વતંત્ર મિજાજ ધરાવતા મોઢવાડિયાને ભાજપમાં કેમ ફાવશે ? પુછાયું ત્યારે ”આ પક્ષ (ભાજપ) જેવો પ્રચાર થાય છે તેનાથી કેટલો જુદો છે તે હું અને અંબરીષના અહીં છીએ તે જ પ્રતિત કરે છે. વિધાનસભામાં 10 વર્ષ વિપક્ષમાં બેઠો છું, ટીકાઓ કરતો આવ્યો છું. છતાંયે અહીં છું. ભાજપે આવકાર્યા. તે માટે હું નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ઋણી છુ” કહી મોઢવાડિયાએ ભાજપના ગુજરાત મોડલને મ્હોછુટ વખાણ્યુ હતુ ! એટલું જ નહીં મારી ભૂમિકા હવે અહીં આવી છે તો હું ગાઈ વગાડીને પ્રચાર કરીશ એમ પણ ઉમેર્યુ હતું.
ભાજપમાં ભળ્યા બાદ પછી પત્રકારો સાથેની વાતચીતમા મંત્રીપદના કમિટમેન્ટ અંગે મોઢવાડિયાએ કહ્યુ કે, કોંગ્રેસમા રહી પ્રજાના કામ કરી શકુ તેમ નહોતું. કોંગ્રેસમા બદલાવ લાવવા જેમણે પણ પ્રયાસો કર્યા તે નિષ્ફળ રહ્યા છે. મે જે સપનું પોરબંદર, ગુજરાત માટે જોયું હતું તે આજે નરેન્દ્રભાઇના નેતૃત્વમા સાકાર થતું દેખાય છે. દેશને આઝાદી મળ્યા પછી મહાત્મા ગાંધીએ કહ્યું કે દેશને આર્થિક અને સામાજીક આઝાદી મેળવવાની બાકી છે. આ બદલાવનું અધૂરું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહ્યુ છે. તેમા આજે જોડાયો છું. સ્વાર્થ હોત ક્યારનોય ભાજપમા જોડાઇ ગયો હોત. અમારામાંથી કોઇને ભાજપે કોઇ ડર નથી બતાવ્યો. લાલચના કારણે નહીં પણ બદલાવના હેતુથી આજે ભાજપમા જોડાઇ રહ્યા છીએ. રાજલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરએ પોતે ભાજપમાં જ હતા અને પાછા જોડાઈ રહ્યાનું કહી કોંગ્રેસના મોવડીમંડળને તેની આસપાસના લોકો મીસગાઈડ કરી રહ્યાનું જણાવ્યું હતું.
પાટિલ આજે રાજુલામાં, ડેરના સમર્થકોનું શક્તિ પ્રદર્શન થશે !
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ બુધવારે રાજૂલામાં નારીવંદના સહિત ત્રણ મોટા કાર્યક્રમોમાં હાજર રહેવાના છે. આ ત્રણેય કાર્યક્રમો એક રીતે અંબરિષ ડેરના સમર્થકોનું શક્તિપ્રદર્શનરૂપ બની રહેશે. ડેરના રાજીનામા બાદ કોંગ્રેસના સ્થાનિક સંગઠનમાંથી અનેક પદાધિકારીઓએ પણ રાજીનામા આપ્યા છે. આવી જ રીતે પોરબંદરમાં પણ મોઢવાડિયાના સમર્થનમાં ભાજપ મોટો કાર્યક્રમ યોજશે.


