- બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ બોર્ડ દ્વારા નિર્દેશ જાહેર કરાયો
- સંચાલક ઈમર્જન્સીમાં જ મોબાઇલ વાપરી શકશે એ સિવાય સ્વીચઓફ રાખવો પડશે
- પરીક્ષા દરમિયાન બિલ્ડિંગમાં સ્ટાફનું મહેકમ નક્કી કરાયેલું હોય છે
ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કેન્દ્ર પર માત્ર બે જ મોબાઇલ રાખવાની છૂટ આપવામાં આવે છે, જેમાં એક સ્થળ સંચાલક મોબાઇલ રાખી શકશે અને બીજો મોબાઇલ સરકારી પ્રતિનિધિ રાખી શકશે. સ્થળ સંચાલક માત્ર ઈમરજન્સીમાં જ મોબાઈલ યૂઝ કરી શકશે એ સિવાય સ્વિચ ઓફ રાખવાનો રહેશે.
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં 5,378 બિલ્ડિંગના 54,294 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન બિલ્ડિંગમાં સ્ટાફનું મહેકમ નક્કી કરાયેલું હોય છે. ઉદાહરણ તરીકે જે બિલ્ડિંગમાં 10 બ્લોક હોય ત્યાં 10 ખંડ નિરિક્ષક, 1 સ્થળ સંચાલક, 1 સરકારી પ્રતિનિધિ, 1 વહિવટી મદદનીશ અને 2 પટાવાળા ફાળવાય છે. આમ આ 15 જણના સ્ટાફમાં માત્ર 2 લોકોને જ મોબાઇલ રાખવાની પરમિશન અપાઈ છે. સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિ મોબાઇલ રાખી શકશે. જોકે એમાંથી માત્ર એક જ મોબાઇલ લાઇવ ચાલુ રાખી શકાશે, જે સરકારી પ્રતિનિધિનો હશે. સરકારી પ્રતિનિધિનો મોબાઇલ લાઇવ રાખવામાં આવશે જેના પર બોર્ડ કોઈ પણ સમયે સીધો સંપર્ક કરી શકશે. એ સિવાય સ્થળ સંચાલક મોબાઇલ રાખી શકશે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ઈમર્જન્સીમાં જ ઉપયોગ કરી શકશે. જેમ કે કોઈ વિદ્યાર્થીના હેલ્થનો પ્રશ્ન ઉપસ્થિત થાય અથવા તો પરીક્ષા કેન્દ્ર પર કોઈ મુશ્કેલી સર્જાય તો તેની મદદ માટે ઉપયોગ કરી શકાશે. એ સિવાય સ્થળ સંચાલકે પણ તેમનો મોબાઇલ ઓફ રાખવાનો રહેશે.


