- વર્ષ 2023-24માં અલ નીનો તેની ચરમસીમાએ પહોંચ્યો: વિશ્વ હવામાન સંસ્થા
- માર્ચ અને મે દરમિયાન જમીન વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની સંભાવના
- જાણો શું છે અલ નીનો અને લા નીના?
વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ મંગળવારે કહ્યું કે વર્ષ 2023-24માં અલ નીનો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. આ આગામી મહિનાઓમાં વૈશ્વિક વાતાવરણને પ્રભાવિત કરતું રહેશે. યુએન એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે માર્ચ અને મે વચ્ચે લગભગ તમામ જમીન વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની સંભાવના છે.
રિપોર્ટ મુજબ, ચાલી રહેલા અલ નીનોની અસરને કારણે દુનિયાભરમાં રેકોર્ડબ્રેક તાપમાન અને આત્યંતિક ઘટનાઓ બની, જેના કારણે 2023 રેકોર્ડ પરનું સૌથી ગરમ વર્ષ બન્યું. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં વૈશ્વિક સરેરાશ તાપમાન સમગ્ર વર્ષ માટે પ્રથમ વખત 1.5 ડિગ્રી સેલ્સિયસન સીમાને વટાવી ગયું છે.
વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે માર્ચ-મે દરમિયાન અલ નીનો ચાલુ રહેવાની લગભગ 60% શક્યતા છે. જેના કારણે વર્ષ 2024 સૌથી ગરમ વર્ષ બની શકે છે. અપડેટમાં કહેવામાં આવ્યું છે કે લા નીના વર્ષના અંત સુધી વિકાસ પામવાની સંભાવના છે પરંતુ આ શક્યતાઓ અત્યારે અનિશ્ચિત છે.
જો આમ થયું તો સારા વરસાદના અણસાર
ભારતમાં લા નીના પર નજીકથી દેખરેખ રાખનારા વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જૂન-ઓગસ્ટ સુધીમાં લા નીનાની સ્થિતિનો અર્થ એ થઈ શકે છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ 2023ની સરખામણીમાં સારો રહેશે.
શું છે અલ નીનો અને લા નીના?
મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટી સમયે-સમયે ગરમ થવાની સ્થિતિ અલ નિનો કહેવામાં આવે છે. આ સરેરાશ દર બે થી સાત વર્ષમાં આમ થાય છે અને સામાન્ય રીતે 9 થી 12 મહિના સુધી ચાલે છે. તેનાથી વિપરિત, લા નીના મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીના સરેરાશ તાપમાન કરતાં વધારે ઠંડુ તાપમાન થવાની સ્થિતિને કહેવાય છે, જે વૈશ્વિક હવામાન પેટર્નને પ્રભાવિત કરે છે.
WMO નું કહેવું છે કે નબળી પ્રવૃતિ છતાં, અલ નીનો આગામી મહિનાઓમાં વૈશ્વિક વાતાવરણને અસર કરવાનું ચાલુ રાખશે. માર્ચ અને મે વચ્ચે લગભગ તમામ જમીન વિસ્તારો માટે સામાન્ય તાપમાન કરતાં વધારે તાપમાનની આગાહી કરવામાં આવી છે. અલ નીનો મુખ્યત્વે મોસમી વાતાવરણને અસર કરે છે. WMOએ કહ્યું છે કે ગ્રીનહાઉસ ગેસને કારણે ગરમ તાપમાન લાંબા સમય સુધી ચાલુ રહેશે.


