- CHC માટે 12 ઓર્થોપેડિક ટેસ્ટ મશીન, 5 ઈમ્યુનોલાયઝર મશીન ખરીદાશે
- મ્યુનિ. હોસ્પિટલોમાં આઉટસોર્સિંગથી મેનપાવર માટે કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવાનો કારસો
- મળતિયા કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવા માટે દરખાસ્ત મંજૂર કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું
AMC સંચાલિત V S હોસ્પિટલમાં આઉટસોર્સિંગથી મેનપાવર સપ્લાય કરવા માટેની સત્તા હોસ્પિટલ કમિટી પાસે ન હોવા છતાં વીએસ હોસ્પિટલમાં મેનપાવર સપ્લાય કરવા માટેની દરખાસ્ત હોસ્પિટલ કમિટીમાં મંજૂર કરવાને પગલે વિવાદ સર્જાયો છે. મેસર્સ ડી.જી. નાકરાણી અને મે. શાશ્વત સાફલ્ય પ્રા.લિ.ને માસિક રૂ.19 લાખથી વધુ રકમ મુજબ વધુ બે મહિના માટે મેનપાવર સપ્લાય કરવા માટેની દરખાસ્ત મંજૂર કરાઈ છે અને હવે વીએસ બોર્ડમાં આ જ દરખાસ્તને મંજૂરી મળશે. આમ, મળતિયા કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવા માટે દરખાસ્ત મંજૂર કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શારદાબેન હોસ્પિટલ, L G હોસ્પિટલ, નગરી હોસ્પિટલમાં પેરા મેડિકલ/ટેકનિકલ/વહીવટી કેડરમાં મેનપાવર પૂર પાડવા માટે હોસ્પિટલ કમિટીમાં રજૂ કરાયેલી દરખાસ્તમાં અગમ્ય કારણોસર V S હોસ્પિટલ માટે પણ મેનપાવર સપ્લાય માટે ઉમેરો કરી દેવાયો છે. નરોડા, ચાંદખેડા, વસ્ત્રાલ, વટવા અને દાણીલીમડામાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો માટે રૂ. 1 કરોડ, 57 લાખના ખર્ચે 12 ઓર્થોપેડિક મશીન ખરીદવા તેમજ રૂ. 4 લાખ, 44 હજારથી વધુના ખર્ચે 5 ઈમ્યુનોલાયઝર મશીન ખરીદવાનો નિર્ણય કરાયો છે. AMC દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવેલા CHCમાં ઓર્થોપેડિક ટેસ્ટ માટે 12 મશીન ખરીદવામાં આવશે. આ મશીન મારફતે કરવામાં આવનાર ટેસ્ટમાં કમ્પ્યુટરમાં ઈમેજ જોવા મળશે અને તેના આધારા નિદાન કરી શકાશે. જ્યારે ઈમ્યુનોલાઝર મશીનમાં કોઈપણ વ્યક્તિમાં વિટામન ડી, એ, વગેરેની ઊણપ હોય તો તેની જાણકારી મળી શકશે અને લગભગ 74 જેટલા વિવિધ પ્રકારના ટેસ્ટ કરી શકાશે.


