કોંગ્રેસમાંથી ધારાસભ્ય અને નેતાઓની મોટાપાયે ભાજપમાં ભરતી થતાં જૂના કાર્યકરોમાં કચવાટ : જુદા-જુદા નામે પોસ્ટ વાયરલ
રૂપાલાના સ્વાગત કાર્યક્રમમાં રૂપાણી જૂથે દેખા દેતા આંતરીક સખળ ડખળ
ડો.બોઘરા પારિવારીક કામે બહાર ગયા તો તેમના અંગે પણ અટકળો વહેતી થઇ!
છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તથા દિગ્ગજ નેતાઓ પક્ષાંતર કરીને જોડાવા મંડયા છે. તેના કારણે કોંગ્રેસમાં તો ભૂકંપ સર્જાયો જ છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ તેના આફટર શોક આવી રહ્યા છે. હાલ ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરી ખૂબ જ પાવરફૂલ હોવાથી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિકલ્પો બંધ થઇ ગયા હોવાથી કાર્યકરો કે અગ્રણીઓ તેમની ભાવનાઓ જાહેરમાં વ્યકત કરી શકતા નથી. પરંતુ હવે આ બાબત ખાનગી ગોસીપમાંથી સોશિયલ મીડિયાના માર્ગે વ્યકત થવા માંડી છે. છેલ્લા ૨૪ કલાકમાં બે પોસ્ટ ખૂબ વાયરલ થઇ છે. જેમાંથી એક પોસ્ટ સુરતના આમ આદમી પાર્ટીના કોઇ અગ્રણીના નામે વાયરલ થઇ છે. પરંતુ તે ભારતીય જનતા પાર્ટીના જુદા-જુદા ગ્રુપમાં સૌથી વધુ વાયરલ થાય છે. જયારે બીજી પોસ્ટમાં થોડા ફેરફાર સાથે ભાજપના અનામી કાર્યકરના નામે પોસ્ટ વાયરલ થઇ છે.
આ સાથે સાથે લોકસભાના ગુજરાતના ૧૫ ઉમેદવારોની જાહેરાત થઇ તેમાં રાજકોટ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની પસંદગી થતાં દાવેદારોમાં સૌથી જેનું નામ આગળ હતું તે ડો.ભરત બોઘરાના નામે પણ કોઇએ અફવા વહેતી મૂકી દીધી છે.
આ ઉપરાંત રાજકોટમાં રૂપાલાના આગમન અને સત્કાર સમયે રૂપાણી જૂથના કટ્ટર સમર્થક ગણાતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી અને કમલેશ મીરાણી સ્ટેજ પર મુખ્ય પ્રવાહમાં આવી જતાં પક્ષના આંતરીક વર્તુળોમાં તેની ભારે ચર્ચા જાગી છે. કેટલાક અગ્રણીઓને આ ગમ્યુ નથી તેવી પણ ચર્ચાઓ છાને ખૂણે જામવા મંડી છે.
તમામ અફવાનુ ખંડન કરતા ડો.બોઘરા
વડાપ્રધાનના સંકલ્પ વિકસીત ભારત બનાવવા માટે પ્રજાના અભીપ્રાય લેવાનો પ્રારંભ :પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું
ભાજપે રાજકોટ લોકસભાની ચુંટણીમાં પ્રબળ દાવેદાર ગણાતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરાએ ટીકીટ આપવાના બદલે પરસોતમ રૂપાલા ને ટીકીટ આપવામાં આવતા ભરત બોધરા દિલ્હી ખાતે દોડી ગયા હતા જે અફવા ચાલી રહી છે તેને ખંડન કરતા જણાવ્યું હતું કે દિલ્હી નહીં પરંતુ મુંબઈ મારા પુત્રના વિઝા માટે ગયેલ હતોં તેમ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
રાજકોટ લોકસભાની બેઠક માટે પરસોતમ રૂપાલાને ટીકીટ આપવામાં આવતા ડો.ભરત બોધરા દિલ્હી ખાતે ટીકીટ માટે દોડી ગયા હતા અને ત્યાં પક્ષના વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હોવાની અફવા ચાલી રહી છે ત્યારે આ બાબતનું ખંડન કરતાં ભરત બોધરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મારા પુત્રના વિઝા માટે મુંબઈ ગયો હતો તેવું જણાવ્યું હતું.
આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૪૭ ના વિકસીત ભારત બનાવવા માટે લોકોનાં અભીપ્રાય લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં શહેર તથા જિલ્લામાંડોકટર,શીક્ષક,વેપારીઓ,યુવાનો,મહીલા, તથા વકીલોના સુચનો લેવામાં આવશે. આ માટે ગામે ગામ બે વાહનો દ્વારા લોકોના અભીપ્રાય લેવામાં આવશે.


