- ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે વધુ મુદતની માંગ કરતી SBIની અરજી ફગાવાઈ
- સ્ટેટ બેન્ક સામે કોર્ટના તિરસ્કારનો કેસ પણ ચાલી શકે છે : સુપ્રીમ કોર્ટ
- એસબીઆઈના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે એફિડેવિટ આપવી પડશે
સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને મોટો આંચકો લાગ્યો છે. સોમવારે કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે વધારે સમય આપવાની એસબીઆઈની માંગને ફગાવી દેતાં કડક શબ્દોમાં ટીકા કરી હતી. કોર્ટે એસબીઆઈને જણાવ્યું હતું કે બેન્કે જાણીજોઇને આદેશનું ઉલ્લંઘન કર્યું છે અને તે બદલ તેની સામે કોર્ટના તિરસ્કારનો કેસ પણ ચાલી શકે છે. ટોચની કોર્ટે સ્પષ્ટ આદેશ કરતાં જણાવ્યું હતું કે 12 માર્ચ સુધીમાં જ ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી માહિતી ચૂંટણી પંચને સોંપી દેવામાં આવે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત ફેબ્રુઆરીમાં ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે એસબીઆઈના ડિરેક્ટર્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોર્ટમાં એક સોગંદનામું જમા કરાવે અને તેમાં દર્શાવે કે તેમણે પાછલા 26 દિવસમાં શું કામ કર્યું? કોર્ટે જણાવ્યું હતું કે અમે અત્યારે નથી ઇચ્છતા કે તિરસ્કારનો કેસ ચલાવવામાં આવે પણ જો એસબીઆઈ જાણીજોઇને આ પ્રકારે આદેશોનું ઉલ્લંઘન કરતી રહેશે તો તિરસ્કારની પ્રક્રિયા માટે મજબૂર થવું પડશે.
સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પણ નિર્દેશ આપ્યો
સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે ચૂંટણી પંચને પણ જણાવ્યું હતું કે તમામ ઇલેક્ટોરલ બોન્ડના આંકડા એકત્ર કરીને શુક્રવારે સાંજે પાંચ કલાક સુધીમાં તેને પોતાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી દે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગત ઉપલબ્ધ કરાવવા માટે છ માર્ચ સુધીનો સમય આપ્યો હતો પણ બેન્કની દલીલ હતી કે આંકડા એકત્ર કરવામાં અને તેને ક્રોસ ચેક કરવામાં સમય લાગી શકે છે તેથી આ મુદત 30 જૂન સુધી લંબાવી આપવામાં આવે. ત્યાં સુધીમાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થઇ જશે.
હરીશ સાલ્વેની દરેક દલીલને સીજેઆઈએ તોડી પાડી
ઇલેક્ટોરલ બોન્ડ પર એસબીઆઈની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દેશની સૌથી મોટી બેન્કને બરાબરનો ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં એસબીઆઈ તરફથી કોર્ટમાં દલીલ કરવા હાજર રહેલાં દેશના નંબર એક વકીલ હરીશ સાલ્વે પણ સતત બેકફૂટ પર જોવાયા હતાં. પાંચ જજની બેન્ચની આગેવાની સંભાળતાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સાલ્વેની દરેકે દરેક દલીલને કાપી નાખતા જોવાયા હતાં.
એસબીઆઈએ 26 દિવસ શું કર્યું ?: કોર્ટ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ મારફત દાન આપનારા લોકોની જાણકારી તેની મુંબઈ શાખામાં ઉપલબ્ધ છે તેને ફક્ત બહાર કાઢવાની છે. કોર્ટે જણાવ્યું હતું કે આદેશ આપ્યાને 26 દિવસ થઇ ગયા છે અને અત્યાર સુધીમાં કામગીરી પૂર્ણ થઇ જવી જોઇતી હતી. એસબીઆઈ પાસે આવી અપેક્ષા ન હતી.
ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ મોદી સરકારે 2017માં શરૂ કરી હતી. આ કેસના અરજદાર એડીઆરની માંગ છે કે એસબીઆઈની સામે તિરસ્કારનો કેસ ચલાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટે બેન્કના સીએમડીને આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે કહ્યું હતું કે સ્ટેટ બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે એક એફિડેવિટ ફાઈલ કરવી પડશે, જેમાં લખવું પડશે કે બેન્કે કોર્ટે આપેલા આદેશોનું પૂરેપૂરું પાલન કર્યું છે. કોર્ટે કહ્યું કે તેઓ અત્યારે અવમાનના અંગે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. પરંતુ જો અમારા આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં નહીં આવે તો તેઓ બેન્ક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી લઈ શકે છે. જો કે બેન્ક વતી તેમના વકીલે ખાતરી આપી હતી કે આદેશનું પૂરું પાલન કરાશે.


