- ક્રાઉન પ્રિન્સ બિન સલમાનના ‘વિઝન 2030’ પર લાગ્યો કલંક
- USCIRFએ ઘટનાને નિંદનીય ગણાવતા વખોડી કાઢી
- ઇસ્લામિક કટ્ટરવાદ માટે જાણીતા દેશ સાઉદીની છબી સુધારવાનો
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું ‘વિઝન 2030’ પર ફરી એકવાર કલંક લાગ્યો છે. સાઉદી અરેબિયાના દિરિયાહ શહેરમાં ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપતી અમેરિકન એજન્સીના સભ્યને તેની યહૂદી ટોપી ઉતારી નાખવા માટે કહેવામાં આવ્યું હતું. USCIRFએ આ ઘટનાને નિંદનીય ગણાવી છે અને અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપતા યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના સભ્ય અબ્રાહમ કૂપર સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પાસે આવેલા દિરિયાહ શહેરની મુલાકાત લેવા ગયા હતા. આ દરમિયાન અબ્રાહમ કૂપરને તેમના માથા પર મૂકેલી યહૂદી ટોપી ‘કિપ્પા’ ઉતારી દેવા માટે કહેવામાં આવ્યું હતું, જેના પર USCIRFએ વાંધો વ્યક્ત કર્યો હતો. દિરિયાહ એક ઐતિહાસિક શહેર છે, જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.
‘વિઝન 2030’ દરમિયાન બની કલંકિત ઘટના
વાસ્તવમાં, સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વર્ષ 2016માં ‘વિઝન 2030’ લોન્ચ કર્યું હતું. આ વિઝનનો હેતુ ઇસ્લામિક કટ્ટરવાદ માટે જાણીતા દેશ સાઉદીની છબી સુધારવાનો છે. આ વિઝન હેઠળ સાઉદી પ્રિન્સ દેશના કાયદાઓમાં સતત ફેરફાર કરી રહ્યા છે. દેશમાં શરિયા કાયદાનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. તાજેતરમાં સાઉદી પ્રિન્સે મસ્જિદોમાં ઇફ્તાર પાર્ટીઓ યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય સાઉદીમાં મહિલાઓને કાર ચલાવવાની પણ છૂટ આપવામાં આવી છે. આને ‘વિઝન 2030’ના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું હતું.
સાઉદી સાથેના સંબંધો સુધારી રહ્યું હતું અમેરિકા
આ મામલે અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાનું કહ્યું છે કે તાજેતરના દિવસોમાં સાઉદીએ ધાર્મિક કટ્ટરવાદ વિરુદ્ધ ઘણા પગલાં લીધા છે, પરંતુ આ રીતે ધાર્મિક ટોપી ઉતારવાનું કહેવું યોગ્ય નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ સાઉદી અને અમેરિકાના સંબંધોમાં તણાવ ઊભો થઈ ગયો છે. અમેરિકા સાઉદી અરેબિયા સાથે પોતાના સંબંધો સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ આ ઘટના બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.


