જગાબાપાની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે ઉદાસી આશ્રમ, ખારાગોઢા રોડ, પાટડી સ્થિત જગદીશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં ૨૦-૨૧-૨૨ માર્ચના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ભજન, ભોજન, ધર્મભક્તિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જગાબાપાની સ્મૃતિને જીવંત રાખવા ગત પુણ્યતિથિ 22-3-2023ના આશ્રમમાં જગદીશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ લેવાયો હતો. જે એક વર્ષમાં પૂર્ણ થતા આગામી ૨૦-21-22 માર્ચના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ૧૧૧૧ કળશ દ્વારા પ્રતિષ્ઠાની મૂર્તિઓ પર સ્નપન વિધિ કરવામાં આવશે. સ્નપન વિધિમાં અનેક ઔષધિઓને જળમાં પલાળી તમામ મૂર્તિઓને અભિષેક કરાશે. જગદીશ્વર મહાદેવ મંદિરે ધ્વજા દંડ સહિત ૧૦૮ ફૂટની ઉંચાઇ ધરાવે છે. અઢી ફૂટનું શિવલિંગ, સાડા પાંચ ફૂટના નંદી, અઢી ફૂટના કૂર્મા (કાચબો) બિરાજમાન કરાશે.
૨૦મીએ સવારે ૮ કલાકે યજ્ઞ શરૂ થશે. ત્યારબાદ પ્રાયશ્ચિત વિધિ, પંચાંગ વિધિથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શરૂ થશે. બપોરે અને સાંજે મહાપ્રસાદ અને ૨૧મીએ સવારે શોભાયાત્રા પાટડી નગરમાં નીકળશે. કિંજલ રબારી, રવિ ખોરજ, સંજય ભાંડુ, વિપુલ સુસરા, રાયમલ પાડીવાડા, સુરેશ ડુમાણા, રાકેશ બારોટ, દિવ્યાબેન ચૌધરી, રાહુલ આંજણા, વિશાલ ઠાકોર, વિજય જોરણંગ, ગમન મેરવાડા રાસ ગરબાની રમઝટ બોલાવશે.
૨૨મીએ જગાબાપાની પુણ્યતિથિ નિમિત્તે રાતે ૯ કલાકે સંતવાણી, ડાયરો યોજાશે. કિર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, જિગ્નેશ બારોટ સહિતના જાણીતા લોકગાયકો દોહા, છંદ, ભજનની પ્રસ્તુતી કરશે. ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે જનક દવે અને નયન ભટ્ટ અને વિદ્વાન પુરોહિત શ્લોકોનું શુધ્ધ ઉચ્ચારણ કરી વાતાવરણની ભક્તિમય બનાવી દેશે. ભાવિકોએ મહોત્સવનો લાભ લેવા માટે ભાવેશબાપુ અને સીતારામ પરિવારે અપીલ કરી છે.


