- ગૅસ સિલિન્ડર લીક થયા બાદ વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું
- વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આસપાસની કાર અને ઈમારતોને ભારે નુકસાન થયું
- ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવી આગ કાબૂમાં લેવા ભારે જહેમત હાથ ધરી હતી
પાડોશી દેશ ચીનના હેબેઈ પ્રાંતના સાન્હે શહેરમાં એક રૅસ્ટોરન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થતા બે વ્યક્તિનાં મોત થયા છે અને 26થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની અનેક કાર અને ઈમારતોને પણ ભારે નુકસાન થયું હતું.
મળતી માહિતી અનુસાર, આ ઘટના ચીનની રાજધાની બેઈજિંગથી લગભગ 80 કિલોમીટર દૂર સાન્હે શહેરમાં સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે બની હતી. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક જાણકારી અનુસાર ગૅસ સિલિન્ડર લીક થયા બાદ વિસ્ફોટ થયો હતો.
#
ચીનના રાહત અને બચાવ વિભાગે જણાવ્યું કે લોકોને બચાવવા માટે 36 વાહનો અને 154 બચાવકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જે બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ વિસ્ફોટ બાદ સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી. તેમજ લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિસ્ફોટ બાદ રૅસ્ટોરન્ટમાંથી ધૂમાડો નીકળતો જોઈ શકાય છે. આ ઉપરાંત અનેક વાહનોના કાચ તૂટ્યા અને આસપાસની ઈમારતોનો કાટમાળ પણ પડી ગયો હતો. પોલીસે અને તપાસ એજન્સીએ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી પૂરતા પુરાવા એકઠા કર્યા હતા.


