- પાલનપુર હાઇવે પર તંત્ર મોટા ઉપાડે કરોડોનો ખર્ચ કરશે પણ ટ્રાફિકની જડ દૂર કરવા કોઈ પગલાં નહીં ભરે?
- રસ્તા પહોળા કરવાના નામે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું પણ જેના કારણે ટ્રાફિક થાય છે
- દબાણો દૂર કરવા માટે તંત્રના પગ ધ્રૂજી રહ્યા હોય તેમ કાર્યવાહી કરી શકતું નથી
પાલનપુર હાઈવે સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યા વર્ષોવરસ વધતી રહી છે 20 વર્ષ અગાઉ લોકોએ બાયપાસની માંગણી કરી હતી તેમા 20 વર્ષ બાદ અંદાજીત 380 કરોડનો ખર્ચ દર્શાવાયો હોવાનું કહેવાય છે હકીકતમાં હાલની સ્થિતિએ જમીનના ભાવ ઉચકાતા જંત્રીના ભાવ તથા એનએ થયેલ જમીનનું ચુકવણું કરવા માટે 500 કરોડ ઉપરાંતનો ખર્ચ થઈ શકે તેમ છે બાયપાસ બનાવવા માટે અંદાજીત 1000 કરોડ ખર્ચ થવાની સંભાવના હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે બાયપાસની કામગીરી સત્વરે પુરી કરવાની બદલ પાલનપુર હાઈવે સર્કલ પર ચોથી વાર કામગીરી કરવામાં આવી રહી છે અને જ્યારે જ્યારે કામ થયું તેમાં સમસ્યામાં વધારો થયો છે ત્યારે ફરી એકવાર રૂ.6 કરોડના ખર્ચે મુશ્કેલીઓ વધારવામાં આવી રહ્યાનું લોકોમાં ચર્ચાની એરણે ચડયું છે પાલનપુર હાઈવે સર્કલથી આસપાસના રસ્તા પહોળા કરવાના નામે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે અને ફુટપાથ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ જે કારણે ટ્રાફિક થાય છે તે દબાણો દુર કરવામાં અધિકારીઓ ના પગ ધ્રુજતા હોય તેમ દબાણો દુર કરવામાં આવતા નથી અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2006 માં હાઈવે સર્કલની આસપાસના દબાણો દુર કરવામાં આવ્યા ત્યારે સર્વિસ રોડ ખુલ્લા થતા ટ્રાફિક ની કોઈ સમસ્યા રહી ન હતી હાલમાં હનુમાન ટેકરીથી હાઈવે સર્કલ સુધી અને હાઈવે સર્કલથી અમદાવાદ તરફ બ્રીજની બંન્ને તરફ સર્વિસ રોડ પર ફુટપાથ સહિતના દબાણો થી લોકો ત્રસ્ત છે.તેમજ સર્કલની આસપાસ સટલીયાઓ માટે રસ્તો ખુલ્લો કરવા વરસાદી પાણી માટેનું નાળું પણ પુરી દેવાતા હાલમાં અહિં એક સાથે 4 થી પ સટલીયાઓ લાઈનસર ઉભા રહે છે અને ટ્રાફિક જામ કરે છે નવાઈની વાત એ છે કે ટ્રાફિક નિયમ અનુસાર ડાબી બાજુનો રસ્તો હંમેશા ખુલ્લો હોવો જોઈએ તેના બદલે ખુદ ટ્રાફિક કર્મીઓ વાહનોને ઉભા રાખી ટ્રાફિક જામ કરાવતા હોવાની રાવ ઉઠી છે.
હાઈવે પર શટલિયાઓ તથા દબાણો પર તંત્રની મહેરબાની
અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર હાઈવેપર સટલીયાઓ અને રસ્તા પર દબાણ કરનારા તેમજ ફુટપાથ કબ્જે કરી બેઠેલા દબાણ દારો સામે કડક કાર્યવાહી કરવાના બદલે મહેરબાની કરવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે આથી ફુટપાથ પર દબાણ કરી બેઠેલા લારી ગલ્લાવાળાઓને યોગ્ય સ્થળે કાયમી જગ્યા ફાળવી દબાણો દુર કરવામાં આવે તેવી લોક માંગ પ્રવર્તિ રહી છે.
નવા આયોજન મુજબ સમસ્યા અને જાનહાનિ વધે તેવી ચર્ચા
અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર હાઈવે સર્કલ પર જ્યારે જ્યારે સમસ્યાનો ઉકેલ લાવવા માટે જે કામગીરી કરવામાં આવી તેનાથી સમસ્યા ઘટવાના બદલે વધી છે ત્યારે નવા આયોજન મુજબ હાઈવે સર્કલની ચારે તરફ ડિવાઈડર વાળા રસ્તા બનાવવામાં આવશે તેના કારણે એક લેનમાંથી બીજી લેનમાં જવા માટે ડિવાઈડર નડતરરૂપ બનશે એક વાહન ઉભું થશે અથવા કોઈ અનિચ્છનિય ઘટના બને ત્યારે પાછળ આવતા વાહન ચાલકો માટે કોઈ વિકલ્પ રહેશે કે કેમ તે સવાલ ઉઠયા છે અને અગાઉ પણ તંત્રએ વૈકલ્પિક રસ્તાઓ બંધ કરી સમસ્યામાં વધારો કર્યો છે અને ફુટપાથ નીકળી જતા ચાલતા રસ્તો ક્રોસ કરનાર લોકો મોતમાં મુખમાં હોમાય તેવી સંભાવના વર્તાઈ છે.


