- ગેરહાજર રહી પોતાની નારાજગી વ્યકત કરતાં જવાહર ચાવડા
- અરવિંદ લાદાણીના ભાજપ પ્રવેશ સામે છે નારાજગી
- પાટીલે કરી ટકોર : કાર્યકરને નારાજગી હોય તો જાણ કરે
ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. જેમાં આજે જ્યાં એક તરફ કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી આજે ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ગેરહાજર રહ્યા હતા. જ્યાં બીજી તરફ કાર્યકર્તા સંમેલનમાં નારાજગી અંગે ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, કોઈપણ કાર્યકરને નારાજગી હોય તો જાણ કરે.
આ અંગેની માહિતી અનુસાર, જૂનાગઢમાં વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 3 સભ્ય અને એમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી જવારભાઈ ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી.
કાર્યકર્તાઓ નારાજ હોય તો મને ફોન કરો : પાટીલ
જ્યારે નારાજ કર્યાકર્તાઓ અંગે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી 26 સીટ જીતવાની હેટ્રિક કરવાની છે. ત્યારે કોઈપણ કાર્યકર્તા ઘરમાં ન બેસી રહે. આજે જોડાયેલા કાર્યકર્તાઓ હવેથી ભારતીય જનતા પાર્ટીનો એક ભાગ છે. ત્યારે દરેક કાર્યકરને કહું છું કે એક પણ દિવસ ઘરમાં બેસી ન રહેતા અને જો કોઈ કાર્યકર્તા કામ ન કરતો હોય કે પાર્ટીની વિરુદ્ધમાં કામ કરતો હોય તો સીધો મને ફોન કરજો.
અરવિંદ લાડાણીએ આપી પ્રતિક્રિયા
ભાજપમાં જોડાયા બાદ અરવિંદ લાડાણીએ જણાવ્યું કે, આજે હું વિધિવત રીતે ભાજપમાં જોડાયો છું. હવે મારે ભારતીય જનતા પાર્ટીમાં રહીને પાર્ટીનું કામ કરવાનું છે. હાલમાં હું કોઈ પણ પ્રકારના વાયદા વગર એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને આવનાર સમયમાં પણ પાર્ટી જે નિર્ણય લેશે તે મને શિરોમાન્ય રહેશે.
લાડાણીના પ્રવેશ પર જવાહર ચાવડાની નારાજગી
અરવિંદ લાડાણીના પ્રવેશ સામે જવાહર ચાવડા નારાજ હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. જેમાં ગેરહાજર રહી ચાવડાએ અરવિંદ લાડાણી પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યત્વે જવાહર ચાવડા માણાવદરના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા છે. આ તરફ જ્યારે અરવિંદ લાડાણીએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારે જણાવ્યુ હતું કે, મેં મારા મનના નિણર્યથી રાજીનામું આપ્યુ છે. મારા મતદારો, આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના વિકાસના કામો કરવા માટે મેં રાજીનામું આપ્યુ છે.


