- બે લોકો તરીને બચાવ્યો પોતાનો જીવ
- મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ
- કોસ્ટ ગાર્ડ ચલાવી રહ્યું છે સર્ચ ઓપરેશન
તુર્કીના દરિયાકાંઠે એક બોટ પલટી જતાં 16 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બોટ પરપ્રાંતિયોથી ભરેલી હતી. આ ઘટના શુક્રવારે 15 માર્ચના રોજના રોજ બની જ્યારે સ્થળાંતર કરનારાઓથી ભરેલી આ બોટ તુર્કીના ઉત્તરી એજિયન કિનારેથી પસાર થઈ રહી હતી. આ કરુણાંતિકામાં 16 લોકોના મોત થયા છે. તુર્કીના કોસ્ટ ગાર્ડના જવાનોએ 2 લોકોને બચાવવામાં સફળતા મેળવી હતી. આ સિવાય બે લોકો તરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
અધિકારીઓનું કહેવું છે કે પ્રવાસીઓને લઈ જતી બોટ રબરની બનેલી હતી. હાલ એ સમાચારની પુષ્ટિ નથી થઈ શકી કે આ બોટમાં કેટલા લોકો સવાર હતા. કોસ્ટ ગાર્ડ ઘટનાના વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
મૃતકોમાં 4 બાળકો પણ સામેલ
સરકારી એજન્સીના અહેવાલો મુજબ મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. મોતને ભેટનારાઓમાં કયા દેશના કેટલા લોકો હતા ટે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ
અહેવાલો અનુસાર હાલમાં 10 કોસ્ટ ગાર્ડ બોટ અને 2 હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, ઘટના સ્થળની નજીકના બંદર પર ઘણી એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે.
વધી શકે છે મૃત્યુઆંક
આશંકા સેવવામાં આવી રહી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. કારણ કે બોટમાં સવાર પરપ્રાંતીયોની સંખ્યા ઘણી વધારે હતી. પ્રારંભિક માહિતી અનુસાર, બોટ ઓવરલોડિંગ અને દરિયાની ભરતી સાથે અથડાવાના કારણે પલટી જવાની આશંકા છે.
તુર્કી કોસ્ટ ગાર્ડ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર
દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળની આસપાસ આક્રંદનો માહોલ સર્જાયો છે. તુર્કી કોસ્ટ ગાર્ડનું આ અંગે કહેવું છે કે આ અઠવાડિયે અમે બોટમાં તુર્કી છોડતા લગભગ 93 માઇગ્રન્ટ્સને પકડ્યા છે. કદાચ આ સ્થળાંતર કરનારાઓ પણ તુર્કી છોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


