- હમાસ વિરુદ્ધ રફામાં આર્મી એક્શન માટે તૈયાર ઇઝરાયલ
- જો બાઈડેન અને નેતન્યાહુ વચ્ચે થઈ ટેલિફોનિક ચર્ચા
- સૈન્ય કાર્યવાહીથી યુદ્ધની ભીષણતા ચરમસીમાએ પહોંચશે
ઈઝરાયેલ હવે હમાસ વિરુદ્ધ ગાઝાના રફા શહેરમાં સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ કાર્યવાહીના પક્ષમાં નથી અને જાહેરમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હવે અમેરિકાના સુરક્ષા સલાહકાર જેક સુલિવાને પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે જો બાઈડેન ઈઝરાયેલ દ્વારા રફા શહેરમાં મોટા પ્રમાણમાં સૈન્ય કાર્યવાહી કરવાને લઈને અત્યંત ચિંતિત છે. સુલિવાને કહ્યું કે સોમવારે રાષ્ટ્રપતિ બાઈડેન અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વચ્ચે આ મુદ્દે ટેલિફોન પર વાતચીત થઈ હતી.
ઇઝરાયલનું વલણ પડ્યું નરમ
આ વાતચીત દરમિયાન બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયેલની ઇન્ટર-એજન્સી ટીમને અમેરિકા મોકલવા માટે સંમત થયા છે. ઇઝરાયેલની આ ટીમમાં સેના, ગુપ્તચર એજન્સી અને ઉચ્ચ અધિકારીઓ સામેલ હશે. આ ટીમ અમેરિકી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે કે રફામાં હમાસ વિરુદ્ધ કોઈ મોટી આર્મી એક્શન વગર કેવી રીતે કાર્યવાહી કરી શકાય. ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિનામાં પહેલીવાર જો બાઈડેન અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી.
રફામાં આર્મી એક્શનથી શું હશે નુકસાન?
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવાને કહ્યું કે ઈઝરાયેલ ગાઝા સિટી અને ખાન યુનિસની જેમ રફામાં પણ મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. રફામાં હાલમાં 10 લાખથી વધુ શરણાર્થીઓ આશરો લઈ રહ્યા છે, જેઓ ગાઝા સિટી અને ખાન યુનિસથી પોતાનો જીવ બચાવીને રફા પહોંચ્યા છે. હવે જો ઈઝરાયેલ રફામાં પણ સૈન્ય કાર્યવાહી કરે છે તો આ શરણાર્થીઓ ક્યાં જશે? ગાઝાના ઘણા મોટા શહેરો યુદ્ધમાં ખતમ થઈ ચૂક્યા છે. ઈઝરાયેલે અમેરિકા અને દુનિયાને રફા પર હુમલો કરવાની કોઈ યોજના અને રફામાં હમાસને કેવી રીતે નિશાન બનાવશે તે પણ જણાવ્યું નથી.
સુલિવાને કહ્યું કે રફા ઇજિપ્તની સરહદ પર સ્થિત છે અને રફા દ્વારા જ ગાઝા સુધી માનવીય સહાય પહોંચાડવામાં આવી રહી છે. જો રફા પર જ લશ્કરી કાર્યવાહી કરવામાં આવે છે, તો તેને કારણે ગાઝામાં ગંભીર માનવીય કટોકટી સર્જાશે અને યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહેલા લોકોને માનવીય સહાય નહિ મળી શકે. તેનાથી ન માત્ર ઇઝરાયલ વૈશ્વિક સ્તરે એકલું-અટુલું થઈ જશે, સાથે સાથે ઇઝરાયલ હમસ યુદ્ધ મોટા પ્રમાણમાં વિસ્તારવાની પણ આશંકા ઊભી થઈ જશે.


