- ગરીબનવાજ અને આશિયાના સોસા.ના રહીશો ઘરમાં પુરાવા મજબૂર બન્યા
- મોડાસા શહેરની ગરીબનવાજ સોસાયટી અને આશિયાના સોસાયટીમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધી ગયો
- 24 કલાકમાં જ આ વિસ્તારમાં 9 વ્યકિતઓને બચકાં ભર્યા
મોડાસા શહેરની ગરીબનવાજ સોસાયટી અને આશિયાના સોસાયટીમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ આ વિસ્તારમાં 9 વ્યકિતઓને બચકાં ભર્યા હતા. જેના પગલે આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડાયા હતા. દરમિયાન કૂતરાંનો આંતક વધતાં પાલિકા દ્વારા એજન્સી રોકી રખડતાં કૂતરાંને પકડી લેવા માંગ ઉઠી છે.
અરવલ્લી જિલ્લામાં વારંવાર કૂતરાં કરડવાના બનાવો સામે આવે છે. દરમિયાન મોડાસા શહેરમાં માત્ર 24 કલાકમાં જ 9 વ્યકિતઓને કૂતરાંએ બચકાં ભરી લીધાં હતાં. મોડાસાની ગરીબનવાજ સોસાયટી અને આશિયાના સોસાયટીમાં બે દિવસથી કૂતરાંનો આંતક વધી ગયો છે. સોમવારે બપોર સુધીમાં પાંચ વ્યકિતઓને કૂતરાંએ બચકાં ભરી લીધાં હતાં. જ્યારે સાંજના સમયે પણ વધુ ચાર વ્યકિતઓ ઉપર કૂતરાંએ હુમલો કર્યો હતો. કૂતરાં કરડવાથી 9 વ્યકિતઓને મોડાસાની સાર્વજનિક સહિતની હોસ્પિટલોમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યાં હતા. આ અંગે સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, એક તરફ રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો નમાઝ અદા કરવા કે વિવિધ ખરીદી કરવા નીકળે ત્યારે કૂતરાંનો ભય રહે છે. બાળકોને પણ ઘરમાં જ રાખવાની ફરજ પડી રહી છે. આ મામલે વારંવાર નગરપાલિકામાં જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે સત્વરે એજન્સી રોકી કૂતરાં પકડી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


