મનપા કચેરીમાં ધમાલ, ૨૧ કોંગી આગેવાનોની અટકાયત
સરકારી જમીન અને આવાસના કૌભાંડમાં લેન્ડ ગ્રેબીંગની કાર્યવાહી માટે રજૂઆત કરવા જતા કોંગી આગેવાનો અટકાવવામા આવતા પોલીસ સાથે ઘર્ષણ
આ લોકશાહીનું ચિરહરણ છે, ભાજપે રજૂઆત માટે છૂટ, કોંગ્રેસ જાય એટલે અટકાયત : કોંગ્રેસ પ્રમુખ
રાજકોટ ભાજપના બે નગરસેવક દેવુબેન મનસુખ જાદવ અને વજીબેન કવા ગોલતર બન્નેના જમીન અને આવાસ કૌભાંડનો સતાવાર ભાંડાફોડ થયા બાદ બન્ને મહિલા નગરસવકોને ભાજપે તો સસ્પેન્ડ કરી દીધા છે. પણ કોર્પોરટરપદે હજુ ચાલુ હોય બન્નેને ગેરલાયક ઠેરવવા અને તેના કૌભાંડમાં જેના-જેના નામ ખુલ્યા છે એ તમામ સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ દાખલ કરવાની માગણી કરવા ગયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિત ૨૧થી વધુ આગેવાનોની પોલીસે અટકાવત કરી હતી. મનપા કચેરી પાસે જ પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો હતો.
કોંગ્રેસે મ્યુનિ. કમિશનર આનંદ પટેલને પાઠવેલા આવેદનમાં એવી રજૂઆત કરી છે કે, શહેરના પ્રદ્યુમનપાર્ક વોર્ડ નં.૫માં સરકારી જમીન પર 3૫૦ ઓરડી, હોલ ચણી લેનાર કવા ગોલતરની એન્ટ્રી ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, કવાના પત્ની વજીબેન કોપોરેટરપદે છે અને શાસક પક્ષના આદેશથી જ સતાધિશોની સીધી દોરવણી હેઠળ તળાવ કાંઠે જ્યા ખુલ્લી જમીન હતી તે ખુલ્લી સરકારી જમીનમાં ૨૦૦૪માં ૧૦૦ ઓરડી રૂ.૨ થી ૪ લાખમાં વેંચી મારી છે. એ ઉપરાંત બાકીની ઓરડી ૨ થી 3 હજારનું ભાડુ વસુલે છે. આ તમામ ઓરડીમાં રહેનાર પરપ્રાંતિયોની પોલીસ સ્ટેશનમાં કોઇ નોંધ ન કરાવતા જાહેરનામાનું પણ ઉલ્લંઘન કરાયુ છે.
ભાજપના બન્ને કોર્પોરેટર વજીબેન અને દેવુબેનને કોર્પોરેટરપદેથી પણ ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસની રજૂઆત છે. આ રજૂઆત માટે ગયેલા શહેર ભાજપ પ્રમુખ અતુલ રાજાણી, મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, ડી.પી.મકવાણા, રાજદીપસિંહ જાડેજા, વશરામ સાગઠિયા, ગૈરવ પુજારા, કૃષ્ણદત રાવલ, સંજય લાખાણી, દિલીપ આસવાણી, પ્રભાતભાઇ ડાંગર, જય કારિયા, હાર્દિક પરમાર, રવીરાજસિંહ ડોડિયા, સલીમભાઇ કારિયાણી, અજિત વાંક, જયનાબા જાડેજા, સંજય અજુડિયા, ગિરીશ ઘરસલિયા, નરેશ સાગઠિયા સહિત ૨૧ આગેવાનોની અટકાયત કરવામા આવી હતી.
દેવુબેન અને વજીબેન ગેરલાયકને જ પાત્ર છે, સાબિત થવા છતાં ડિસ્કવોલિફાઇ કેમ નહીં?
આવાસ અને જમીન કૌભાંડ ખુલ્યા પછી ભાજપે દેવુબેન અને વજીબેન બન્નેને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે એટલે એ તો સાબિત થઇ જ ગયુ છે કે આ બન્ને નગરસેવીકા ગેરલાયકને જ પાત્ર છે. તો પછી તેને કોર્પોરેટરપદેથી ડિસ્ક્વોલિફાઇના પગલાં શા માટે લેવાતા નથી? તેવો અહમ સવાલ કોંગ્રેસે કર્યો છે. ચૂંટણી ટાંણે જ ભાજપનો ચહેરો ખુલ્લો પડ્યો હોય ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ભાજપે માત્ર તેની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનું આ માત્ર નાટક જ ભજવ્યુ છે તેવો રોષ પણ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ વ્યક્ત કર્યો છે.


