- નિવૃત્તિ માટે મહિના પહેલાં અરજી કરવી પડે, ચૂંટણી પંચમાં ફરિયાદ
- સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપે શોભનાબહેન મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ આપી છે
- સરકારી કર્મી તરીકે છુટ્ટા ન થયા છતાં ખેસ પહેરી ઉમેદવાર તરીકે ફર્યા
સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપે શોભનાબહેન મહેન્દ્રસિંહ બારૈયાને ટિકિટ આપી છે, મૂળ કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ અપાતા ભાજપમાં જોરદાર કકળાટ થયો છે, આ તરફ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવાર શોભનાબહેન વિરુદ્ધ આચારસંહિતા ભંગની તાત્કાલિક ફરિયાદ નોંધી પગલાં લેવા માગણી કરવામાં આવી છે, જેમાં આ ઉમેદવારની ઉમેદવારી રદ્ કરવા તદુપરાંત આચારસંહિતા ભંગ બાબતે પગલાં લેવા માગણી થઈ છે, શોભનાબહેન સરકારી શાળામાં કાયમી શિક્ષક છે અને નિયમ મુજબ એક મહિના પહેલાં રાજીનામા માટે અરજી કરવાની હોય છે, આ કિસ્સામાં આ નિયમની ધરાર ઐસીતૈસી કરાઈ હોવાથી તેમની વિરુદ્ધ પગલાં ભરવા જોઈએ.
ચૂંટણી પંચ સમક્ષ કહેવાયું છે કે, શોભનાબહેન સાબરકાંઠાની સરકારી પ્રાથમિક શાળામાં ઉપશિક્ષકના હોદ્દા ઉપર કાયમી સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવે છે, સકરકારના નિયમ મુજબ કાયમી સરકારી કર્મચારીએ નિવૃત્તિ લેવા માટે એક મહિના પહેલાં સંબંધિ વિભાગના સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરવાની હોય છે, રાજીનામું મંજૂર ના થાય ત્યાં સુધી કર્મી છુટા થઈ શકતાં નથી, શોભનાબહેને 21-03-2024ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી એ પછી 28મી માર્ચના રોજ તેમની અરજી તાત્કાલિક મંજૂર કરાઈ છે. ગુજરાતના હજારો કર્મીઓની નિવૃત્તિની અરજીઓ પેન્ડિંગ છે ત્યારે આ અરજી ટૂંકાગાળામાં મંજૂર કરાઈ તે આૃર્ય પમાડે છે. નિવૃત્તિ પહેલાં કયા આધારે તેઓ ભાજપના ઉમેદવાર જાહેર થયા તે પણ એક મુદ્દો છે. એક રીતે સરકારી નિયમોની ઐસીતૈસી કરીને આચારસિંહતાનો ભંગ કરાયો છે. સરકારી કર્મચારી તરીકે હોય ત્યારે કોઈ કર્મી રાજકીય પક્ષના સદસ્ય બની શકે નહિ, રાજકીય પક્ષનો ખેસ પહેરી ના શકે. સરકારી કર્મચારી હોવા છતાં તેઓ ખેસ પહેરીને તેઓ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર સ્થળોએ ફર્યા છે, આવા ઉમેદવારની ઉમેદવારી રદ્ કરવી જોઈએ અને પગલાં ભરવા જોઈએ. જો આ કિસ્સામાં પગલાં ના ભરાય તો આવા ઉમેદવારોને છાવરી મનમાની ચાલી રહી છે તેવું સાબિત થશે.


