- બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ વિપક્ષનું ‘બૉયકોટ ઈન્ડિયા’ અભિયાન
- અત્યાર સુધી મૌન રહેલા પ્રધાનમંત્રી શેખ હસીનાએ વિપક્ષ પર કર્યા પ્રહાર
- ભારતીય મસાલા વગર જમવાનું બનાવી બતાઓ: શેખ હસીના
જ્યારથી બાંગ્લાદેશમાં શેખ હસીનાએ ફરીથી સત્તા સંભાળી છે ત્યારથી દેશમાં ‘બૉયકોટ ઈન્ડિયા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આખરે શેખ હસીનાએ પણ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. તેઓએ ભારતનો બહિષ્કાર કરનારાઓ વિરુદ્ધ સાડીઓ અને મસાલાઓનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.
પહેલા ભારતીય સાડીઓને બાળીને બતાવો: શેખ હસીના
ઘણા મહિનાઓથી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ‘બૉયકોટ ઈન્ડિયા’ અભિયાન અંગે મૌન જાળવ્યું હતું. હવે તે વિપક્ષ પર હુમલો કરી રહ્યા છે. તેમણે વિપક્ષી નેતાઓને સવાલ કર્યો છે કે તેમની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે? આ સાથે તેમણે પૂછ્યું કે BNP નેતાઓ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે? શા માટે તેઓ તેમની પત્નીઓને આ અભિયાનમાં નથી લઈ જતા?
તેમણે પડકાર ફેંક્યો કે જ્યારે વિપક્ષી નેતાઓ તેમની પાર્ટી ઓફિસની સામે તેમની પત્નીઓની ભારતીય સાડીઓને સળગાવશે ત્યારે જ સાબિત થશે કે તેઓ ખરેખર ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે BNP નેતાઓ અને તેમની પત્નીઓ ભારતમાંથી સાડીઓ ખરીદતા હતા અને બાંગ્લાદેશમાં વેચતા હતા. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે BNP સત્તામાં હતી ત્યારે મેં તેમના નેતાઓની પત્નીઓને ભારતીય સાડીઓ ખરીદવા ભારત જતા જોયા હતા.
ભારતીય મસાલા વગર જમવાનું બનાવી બતાઓ: શેખ હસીના
શેખ હસીના માત્ર ભારતીય સાડીઓ પર જ અટક્યા ન હતા પરંતુ તેમણે ભારતીય મસાલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે ભારતમાંથી ગરમ મસાલા, ડુંગળી, લસણ, આદુ સહિતની ઘણી વસ્તુઓ આયાત કરીએ છીએ. તેમણે સવાલ કર્યો કે BNPના નેતાઓ ભારતીય મસાલા વિના ભોજન કેમ નથી બનાવતા? તેઓએ આના વિના ખોરાક બનાવવો જોઈએ.


