- કાયદાના અમલીકરણની સાથે જ લોકોએ કરી ઉજવણી
- બર્લિનના બ્રાન્ડેનબર્ગ ગેટ પાસે લોકોએ ગાંજો ફૂંક્યો
- 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 25 ગ્રામ સુધી સૂકો ગાંજો લઈ જઈ શકશે
જર્મનીએ સોમવાર 1 એપ્રિલના રોજથી ગાંજાને કાયદેસર માન્યતા આપી દીધી છે. આ જાહેરાતની સાથે જ જર્મની યુરોપનો સૌથી પહેલો દેશ બની ગયો છે જેણે ગાંજાને કાયદેસર માન્યતા આપી છે. જર્મનીના નવા કાયદા અનુસાર, હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 25 ગ્રામ સુધી સૂકો ગાંજો લઈ જઈ શકે છે અને લોકોને દેશમાં ગાંજાના છોડની ખેતી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. દેશના ઘણા વિપક્ષી નેતાઓ અને તબીબી સંગઠનોના વિરોધ છતાં, તેને કાયદેસર કરવામાં આવ્યું છે.
દેશભરમાં ખુશીનો માહોલ
મધરાત્રે આ કાયદો અમલમાં આવતાની સાથે જ સેંકડો લોકો બર્લિનના બ્રાન્ડેનબર્ગ ગેટ પર પહોંચ્યા અને તેમાંથી ઘણા લોકોએ ગાંજાનું સેવન કરીને ઉજવણી કરી હતી. 25 વર્ષના નિયાઝીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે અમને બીજી વાર આઝાદી મળી છે.
દેશમાં 1 જુલાઈથી કેનાબીસ ક્લબમાં કાયદેસર રીતે ગાંજો ઉપલબ્ધ થશે. દરેક ક્લબમાં 500 જેટલા સભ્યો હોઈ શકે છે અને દરેક વ્યક્તિ 50 ગ્રામ ગાંજાનું વિતરણ કરી શકે છે. હાલના કાયદાઓ હોવા છતાં, જર્મનીમાં ગાંજાનો વપરાશ વધી રહ્યો છે.
આરોગ્ય જૂથોએ વ્યક્ત કરી ચિંતા
નવા કાયદાનો અમલ કરીને, સરકાર બ્લેક માર્કેટિંગને રોકવા માંગે છે અને પ્રદૂષિત ગાંજાનું સેવન કરતાં લોકોને રક્ષણ આપવા માંગે છે. તો, આરોગ્ય જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ કાયદો યુવાનોમાં ગાંજાનો ઉપયોગ વધારી શકે છે અને તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી કાર્લ લોટરબેચે કહ્યું કે ગાંજાનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. સરકારે આ કાયદાને લાગુ કરવા તેમજ તેનાથી થતા જોખમો વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક સહાયક ઝુંબેશનું વચન આપ્યું છે. આ ઉપરાંત, સરકારે શાળાઓ અને રમતના મેદાનોથી 100 મીટરના અંતરે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા ગાંજાના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે.


