- રેલીમાં 200 જેટલી કાર સાથે 300 લોકો જોડાયા
- OFBJP-USA દ્વારા કરાયું રેલીનું આયોજન
- ‘મોદી 3.0 માટે શીખ અમેરિકન’ પોસ્ટર્સ સાથે રેલી
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી ઈન અમેરિકા (OFBJP-USA) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મના સમર્થનમાં 20 અલગ-અલગ શહેરોમાં કાર રેલી કાઢી હતી. તેમણે ભારતની જનતાને આગામી ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મેળવીને ભાજપની આગેવાની હેઠળના NDAને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા આગ્રહ કર્યો છે.
મોદીના સમર્થનમાં અમેરિકામાં કાર રેલી
OFBJP-USAના પ્રમુખ અદાપા પ્રસાદે જણાવ્યું છે કે, “નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપ અને NDAને 400થી વધુ બેઠકો જીતતા જોઈને USમાં ભારતીય સમુદાય ખૂબ જ ઉત્સાહિત છે. મેં ભારતીય-અમેરિકન પ્રવાસીઓમાં આટલો ઉત્સાહ અગાઉ ક્યારેય નથી જોયો.”
OFBJP-USA ના રાષ્ટ્રીય મહાસચિવ વાસુદેવ પટેલે જણાવ્યું કે, “OFBJP દ્વારા પૂર્વ કિનારેથી પશ્ચિમ કિનારે અને ઉત્તરથી દક્ષિણ સુધીના લગભગ 20 શહેરોમાં આયોજિત કાર રેલીઓમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમેરિકી રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં શીખ સમુદાયના લોકોએ પીએમ મોદીના સમર્થનમાં કાર રેલી પણ કાઢી હતી. તેમણે કહ્યું કે ભાજપની જીત માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે પણ મહત્વપૂર્ણ રહેશે.”
રેલીમાં 300 લોકો થયા સામેલ
રેલીમાં 200 જેટલી કાર સામેલ હતી. આ કાર રેલીમાં ભાગ લેવા માટે જુદા જુદા શહેરોમાંથી 300 જેટલા લોકો આવ્યા હતા. જ્યોર્જિયાના એટલાન્ટામાં આ રેલીમાં 150 કારોએ ભાગ લીધો હતો. આ રેલીમાં લોકો, ‘અબકી બાર, 400ને પાર’, ‘મોદી 3.0 માટે શીખ અમેરિકન’, ‘મોદી ગેરંટી’ વગેરે સૂત્રો લખેલા પોસ્ટર્સ અને બેનર્સ સાથે પહોંચ્યા હતા. લોકોએ 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જણાવી દઈએ કે કાર રેલીનું આયોજન મેરીલેન્ડ, વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાગ લેનારા લોકો પહેલા ગુરુદ્વારા ગયા અને પછી ત્યાંથી રેલી સ્થળ પર પહોંચ્યા. તમામ કારને ભાજપ અને અમેરિકન ફ્લેગથી શણગારવામાં આવી હતી.


