- તાઈવાનમાં ભૂકંપને લીધે એક લાખ ઘરની વીજળી ગુલ
- ભૂકંપ આવતાની સાથે ઈમારતો પત્તાની માફક ધરાશાયી
- દક્ષિણી જાપાન, ફિલિપિન્સના દ્વીપો માટે સુનામીની ચેતવણી જાહેર કરાઈ
તાઈવાનમાં બુધવારે વહેલી સવારે શક્તિશાળી ધરતીકંપ આવ્યો છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે. તાઈવાનમાં છેલ્લા 25 વર્ષ બાદ આટલો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાથી શહેરના અનેક હિસ્સાથી વીજળી ચાલી ગઈ હતી. ભૂકંપને લીધે લોકો રીતસરના ઘરબહાર દોડી ગયા હતા. ભૂકંપને લીધે દક્ષિણી જાપાન અને ફિલિપિન્સના દ્વીપો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
પૂર્વ તાઈવાઈનમાં અનેક ઈમારતો ધરાશાયી થતા શહેરમાં કાટમાળ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો ડરના માર્યા રસ્તા પર આવી જઈને મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. જો કે પ્રાથમિક માહિતી અનુસાર જાનહાનિના અહેવાલ નથી. એક રિપોર્ટ અનુસાર, તાઈવાનના વીજળી ઓપરેટરના જણાવ્યા પ્રમાણે ભૂકંપના તેજ આંચકાને લીધે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સમગ્ર તાઈવાનમાં 87 હજારથી વધુ લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે.
એક અઠવાડિયા સુધી ભૂકંપના આંચકા આવશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી
જો કે જાપાનના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ભૂકંપના આંચકા આશરે એક અઠવાડિયા સુધી આવતા રહેશે જેથી એલર્ટ રહેવાની ચેતવણી પણ આપી હતી. ફાયર, પોલીસ અને વહીવટી તંત્ર વીજળી અને કાટમાળ ખસેડવામાં પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી.


