ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર અને ગુજરાતી ભવન દ્વારા શાંતિભાઈ આચાર્ય પર પરિસંવાદ યોજાયો
૨3 નવોદિત અધ્યાપકોનું અભિવાદન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતી ભાષાવિજ્ઞાન અને લોકસાહિત્યના મરમી સદ્ગત શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે તા.18-08-2026, મંગળવારના રોજ એક દિવસીય પરિસંવાદનું આયોજન થયું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.ઉત્પલભાઈ જોશીની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો.ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક અને ગુજરાતી ભવનના પ્રોફેસર ડૉ. જે.એમ.ચંદ્રવાડિયા અને ગુજરાતી ભવનના પ્રોફેસર ડૉ.દીપક પટેલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમના સંયોજકો તરીકેની સફળ ભૂમિકા નિભાવવામાં આવી.આ પરિસંવાદ સાથોસાથ યુનિવર્સિટીના ગુજરાતી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ; જે તાજેતરમાં ગુજરાતની વિવિધ કૉલેજોમાં અધ્યાપક તરીકે જોડાયા હોય એવા 23 જેટલા નવોદિત અધ્યાપકોના અભિવાદનનો ઉપક્રમ પણ યોજાયો હતો.આ સાથે યુનિવર્સિટી દ્વારા શાંતિભાઈ આચાર્યના પરિવારનું અભિવાદન કરાયું.આ તકે કુલસચિવ અજયસિંહ જાડેજાની ઉપસ્થિત રહી હતી.ઉપરાંત વિવિધ ભવનના અધ્યાપકો-અધ્યક્ષઓ, સેવાનિવૃત અધ્યાપકો, જુદી જુદી યુનિવર્સિટીના શોધાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ બેઠકમાં ભારતભરમાં સુખ્યાત વિદ્વાન ડૉ.બળવંત જાનીનું બીજ વ્યાખ્યાન રજૂ થયું.ડૉ.જાનીએ શાંતિભાઈના સમગ્ર પ્રદાનનુ વિહંગાવલોકન કરાવ્યું અને શાંતિભાઈને ખરા અર્થમાં શાસ્ત્રીય કામ કરનાર સંશોધક તરીકે ઓળખાવ્યા.કુલપતિએ અધ્યક્ષીય ઉદ્બોધનમાં ગુજરાતી ભવન અને મેઘાણી કેન્દ્રની વિભિન્ન પ્રવૃત્તિઓની સરાહના કરી ઉપરાંત શાંતિભાઈ આચાર્યને વિશ્વકક્ષાના વિદ્વાન ગણાવ્યા.
બીજી બેઠકમાં ગુજરાતી ભવનના પૂર્વ પ્રાધ્યાપક અને જાણીતા વિવેચક ડૉ. બિપિન આશર, સરદાર પટેલ યુનિવર્સિટી-વલ્લભવિદ્યાનગરના ગુજરાતી ભવનના અધ્યક્ષ ડૉ.પિનાકિની પંડ્યા અને અમદાવાદથી જાણીતા ભાષશાસ્ત્રી ડૉ.પિંકી પંડ્યા એ ત્રણ વિદ્વાન વક્તાઓએ અનુક્રમે ‘શાંતિભાઈ આચાર્યનું કોશવિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’, ‘શાંતિભાઈ આચાર્યનું લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન’ અને ‘શાંતિભાઈ આચાર્યનું ભાષાવિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ વિષયો પર વિશદ વ્યાખ્યાનો આપ્યાં હતા. આ વિદ્યાકીય ઉપક્રમની નોંધ ગુજરાતભરમાં લેવાઈ.


