- તાઈવાનમાં 7.7ની તીવ્રતાના ભૂકંપને લીધે બચાવ કામગીરી પૂરજોશમાં
- જાપાન અને દ્વીપો પર સુનામીનું એલર્ટ પાછું ખેંચાયું
- તાઈવાનમાં પત્તાની માફક ઈમારતો ધરાશાયી થતા રાહત કામગીરીમાં વિલંબ
તાઈવાનમાં બુધવારે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી હતી. આ ભૂકંપને લીધે શહેરના અનેક હિસ્સાઓમાં અંધારપટ્ટ છવાયો હતો. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સના દ્વીપોમાં અપાયેલી સુનાનીની ચેતવણી પાછી ખેંચી લેવાઈ છે. તાઈવાનમાં આવેલા ભૂકંપને લીધે ફાયર અને એજન્સીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં છે. નેશનલ ફાયર બ્રિગેડ એજન્સી અનુસાર તાઈવાનના હુઆલીન કાઉન્ટીમાં ચાર લોકોનાં મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે.
તાઈવાનના પૂર્વ વિસ્તારમાં ભૂકંપ બાદ ન્યૂ તાઈપે શહેરમાં એક ક્ષતિગ્રસ્ત ઈમારમાં ફસાયેલા વ્યકિતને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. ધરાશાયી થયેલી ઈમારતોમાંથી બચાવ કામગીરી હાથ ધરી લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. ન્યૂ તાઈપે શહેરના ઝિંડિયન જિલ્લામાં ઈમારતોને ભારે નુકસાન થયું હતું. બચાવકર્મી ફસાયેલા લોકોની શોધ કરી રહ્યા છે.
ભારતીય લોકો માટે હેલ્પલાઈન જાહેર
ઈન્ડિયા તાઈપે એસોશિએશને તાઈવાનમાં શક્તિશાળી ભૂકંપને લીધે તમામ ભારતીય નાગરિકોની મદદ માટે એક હેલ્પલાઈન જાહેર કરી છે. 0905247906 અને ઈ-મેઈલ પણ ad.ita@mea.gov.in જાહેર કર્યો છે. ભારતીય લોકો આની પર મદદ લઈ શકે છે.
જાપાનમાં સુનામીનો ખતરો ટળી ગયો
જાપાન હવામાન વિભાગ એજન્સી અનુસાર, જાપાનમાં ભૂકંપ પછી સુનામી આવવાની અટકળોને ફગાવી દીધી છે. હાલ પૂરતું ભૂકંપનું આવું કોઈ એલર્ટ નથી હોવાનું સત્તાવાર જણાવાયું છે.


