રાજકોટના ચિરાગ ગોસ્વામીના સાયબર સુરક્ષા વિષયક પુસ્તકનું વિમોચન
71 યુનિવર્સિટીઓના કુલપતિઓ, ડીન અને નિયામકોની હાજરીમાં પુસ્તક લોન્ચ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સાયબર સુરક્ષા નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય સાઇબર સિક્યોરિટી કંપની સાયબરનારાના સ્થાપક ચિરાગ ગોસ્વામી દ્વારા લખાયેલ પુસ્તક “The Strictly No-Technical Cyber Security Guide”નું પુણે ખાતે ભવ્ય વિમોચન કરવામાં આવ્યું.
આ પુસ્તકનું વિમોચન જી. એચ. રાયસોની ઇન્ટરનેશનલ સ્કિલ ટેક યુનિવર્સિટી, પુણેના કુલપતિ ડૉ. આર. ડી. ખરાડકર, એમઆઈટી ગ્રુપના સ્થાપક ટ્રસ્ટી પ્રો. પ્રકાશ બી. જોશી અને ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ગિરિધરના હસ્તે કરવામાં આવ્યું.
પુસ્તક વિમોચન પુણેના જેડબ્લ્યુ મેરિયટ હોટેલ, એસ.બી. રોડ, શિવાજીનગર ખાતે યોજાયેલા એએમડી એકેડેમિક એક્સેલરેટર પ્રોગ્રામ – “Redefining Research, Innovation & Future Computing” દરમિયાન થયું હતું.
આ પ્રસંગે દેશની 71 યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના કુલપતિઓ, નિયામકો, ડીન, વિભાગાધ્યક્ષો અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ચિરાગ ગોસ્વામીએ છેલ્લા 17 વર્ષમાં 10 દેશોમાં કામ કર્યું છે. તેઓ ત્રણ અલગ-અલગ ખંડોમાં બોર્ડરૂમ સ્તરની વ્યૂહાત્મક ચર્ચાઓનો ભાગ રહ્યા છે અને સરકારો, બેન્કો, મોટી સંસ્થાઓ તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે. આ પુસ્તક તેમના 17 વર્ષના વૈશ્વિક અનુભવનું પરિણામ છે. પુસ્તકમાં મુખ્યત્વે બે મહત્વપૂર્ણ વાતો રજૂ કરવામાં આવી છે.
પ્રથમ, જીવનની જેમ સાયબર સુરક્ષામાં પણ આપણે નવી અને ચમકદાર વસ્તુઓ પાછળ દોડીએ છીએ, પરંતુ ઘણી વખત મૂળભૂત બાબતો ભૂલી જઈએ છીએ. અંતે આ જ મૂળભૂત ખામીઓ મોટા નુકસાનનું કારણ બને છે.
બીજું, ઘણી સંસ્થાઓમાં CXOs, મેનેજર્સ અને IT અધિકારીઓ સાયબર જોખમો અંગે સ્પષ્ટ અને પ્રામાણિક ચર્ચા કરવાનું ટાળે છે. પરિણામે સમસ્યાઓ સમયસર સામે આવતી નથી અને જોખમ વધતું જાય છે. ચિરાગ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “આ પુસ્તક માત્ર સાયબર સુરક્ષા નિષ્ણાતો માટે નથી. આ પુસ્તક CXOs, મેનેજર્સ, IT અધિકારીઓ અને વ્યવસાયિક નિર્ણયો લેતા અધિકારીઓ માટે છે, જેઓ ટેક્નિકલ ભાષામાં ગયા વગર સાચા પ્રશ્નો પૂછવા, સાયબર જોખમોને સમજવા અને પોતાની ટીમ સાથે સ્પષ્ટ તથા પ્રામાણિક ચર્ચા કરવા માંગે છે.”
કાર્યક્રમમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, ઉચ્ચ કાર્યક્ષમ ગણતરી, સંશોધન, નવીનતા, સાયબર સુરક્ષા અને ભવિષ્ય માટે તૈયાર યુનિવર્સિટીઓ અંગે દેશના અગ્રણી નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પુસ્તકનું રાષ્ટ્રીય સ્તરના શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકોની હાજરીમાં વિમોચન થવું રાજકોટ માટે ગૌરવની બાબત છે.


