ગત વર્ષની તુલનાએ 3૧ કરોડ રૂપિયાનો વધારો
સૌથી વધુ ૭૩,૯૮૨ ટુ-વ્હીલ, ૨૩,૫૭૬ કાર અને ૨૪૦ બસની નોંધણી થઈ
માસ ટ્રાન્સપોર્ટેશનના અભાવે ખાનગી વાહનોની સંખ્યામાં થઇ રહેલા સતત વધારા અને ટ્રાફિકની સમસ્યા છતાં આરટીઓમાં વાહનની નોંધણી વધી રહી છે. રાજકોટ આરટીઓને ૨૦૨3-૨૪ના નાણાકીય વર્ષમાં ૨૦૨ કરોડ રૂપિયાની વાહન નોંધણીની આવક થઇ છે. જે ગત વર્ષની તુલનાએ 3૧ કરોડ રૂપિયા વધુ છે. સૌથી વધુ ૭૩,૯૮૨ ટુ-વ્હીલ, ૨૩,૫૭૬ કાર અને ૨૪૦ બસની નોંધણી થઈ છે.
રાજકોટ RTOને નોંધણીની કમાણીમાં ગત વર્ષ કરતા બમ્પર વધારો થયો છે. તો બીજી તરફ વાહનના વેચાણમાં પણ રાજકોટ જિલ્લામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે રજીસ્ટ્રેશનની ઈનકમ પણ વધતી જોવા મળી રહી છે. વર્ષે ૨૦૨૨- ૨૩ની સરખામણીએ આ વર્ષે RTOને રૂ.૩૧ કરોડની વધુ આવક નોંધાઈ છે.
રાજકોટ RTOમાં વર્ષ ૨૦૨૨-૨૩માં નોંધણીમાં રૂ. ૧,૭૧,૬૨,૨૧,૮૮૨ની આવક થઈ હતી જ્યારે આ વર્ષે ૨૦૨૩-૨૪ના નાણાકિય વર્ષમાં રૂ.૩૧,૨૩,૬૫,૯૫૪ના વધારા સાથે રૂ. ૨,૦૨,૮૫,૮૭,૮૩૬ની આવક નોંધાઈ છે. તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧,૧૩,૨૨૦ વાહનોની RTOમાં નોંધણી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૭૩,૯૮૨ ટુ-વ્હીલર, ૨૩,૫૭૬ ફોર વ્હીલર, ૪,૨૦૬ ગુડ્ઝ વ્હીલર, ૨૪૦ બસ તેમજ ૫,૮૨૯ ટ્રેકટર-ટ્રોલી, ૪૦ એમ્બ્યુલન્સ, ૨૭ પ્રાઈવેટ સર્વિસીસ અને ૪,૭૩૧ થી- વ્હીલરની નોંધણી કરવામાં આવી છે. આ વાહનોની સાથે આ વર્ષે ઈલેકટ્રીક વાહનોનું ચલણ પણ વધ્યુ હોય તેમ ટોટલ વાહનોની નોંધણીમાં ૫,૯૬૬ ટુ-વ્હીલર સાથે કુલ ૬,૭૦૬ ઈલે.વાહનોના રજીસ્ટ્રેશનનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૩-૨૪માં વાહનોની ખરીદી વધતાની સાથે RTOમાં નોંધણીની પ્રક્રિયામાં પણ વધારો જોવા મળ્યો હતો જેના કારણે ગત વર્ષ કરતા આ નાણાકિય વર્ષમાં રૂ.૩૧ કરોડ જેટલો બમ્પર વધારો થયો છે. આ ઉપરાંત RTOમાં દરેક નવી ખુલતી ટુ-વ્હીલ અને ફોર-વ્હીલની સિરીઝમાં પોતાના પસંદગીના ગોલ્ડન-સિલ્વર નંબર લેવા માટે ઓનલાઈન ઓક્સનમાં ભાગ લઈ લાખો-કરોડોની બોલી લગાવતા હોય છે. જેના કારણે પણ RTOની આવકમાં વધારો થતો જોવા મળે છે. નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪માં આ રીતે ચોઈસના નંબર મેળવવા માટે કુલ ૨૯,૪૨૨ વાહનોના માલિકોએ ઓનલાઈન બીડમાં ભાગ લઈ પસંદગીના નંબર મેળવવા માટે બોલી લગાવી હતી. જેના કારણે RTOને તેમાંથી રૂ.૧૫,૦૩,૩૬,૦૦૦ની આવક થઈ હતી.


